Washington, તા. 15
પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સૈન્ય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી સેનાએ ઈરાનના દરિયાઈ બંદરો નજીક ફરીથી કડક દરિયાઈ નાકાબંધી લાગું કરી દીધી છે.
આ નાકાબંધી લાગું થયાનાં બરાબર એક કલાક પહેલાં જ અમેરિકી વાયુસેનાએ ઈરાનમાં આવેલાં સૈન્ય બેઝ પર જોરદાર હવાઈ હુમલા કર્યા હતાં. અમેરિકી સૈન્ય અધિકારીઓના જણાવ્યાં અનુસાર, આ ઓપરેશનનો મુખ્ય હેતુ વિસ્તારમાં ઊભા થયેલાં સુરક્ષા પડકારોને ખતમ કરવાનો અને હોર્મુઝમાં વેપારી જહાજો પર હુમલો કરવાની ઈરાનની સૈન્ય ક્ષમતાને નબળી પાડવાનો છે.
બંને દેશો વચ્ચેનો આ વિવાદ ગયા અઠવાડિયે હોર્મુઝમાંથી પસાર થતાં કોમર્શિયલ જહાજો પર ઈરાન દ્વારા કરવામાં આવેલાં હુમલા બાદ શરૂ થયો હતો. અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઈરાનના બુશેહર, ચાબહાર, જાસ્ક, કોનાર્ક અને બંદર અબ્બાસ જેવા વ્યૂહાત્મક વિસ્તારોમાં આવેલા ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સના એર ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોન સેન્ટરોને નષ્ટ કરી દીધાં છે. આ હુમલાના વળતાં જવાબમાં ઈરાને પણ બહેરીન અને કુવૈતમાં આવેલાં સૈન્ય મથકો પર નિશાન સાધ્યું હોવાનાં અહેવાલો છે.
આ સૈન્ય સંઘર્ષને કારણે બંને દેશો વચ્ચે થયેલાં 60 દિવસનાં વચગાળાનાં શાંતિ કરાર પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. આ કરાર હેઠળ ઈરાનના વિવાદિત પરમાણુ કાર્યક્રમ સહિતનાં મુદ્દાઓનો કાયમી ઉકેલ લાવવાનો હતો અને અમેરિકાએ એપ્રિલ મહિનામાં લગાવેલી નાકાબંધી હટાવી લીધી હતી.
પરંતુ ઈરાન દ્વારા જહાજો પર ફરી હુમલા થતાં અમેરિકાએ બુધવાર મધ્યરાત્રિથી દરિયાઈ નાકાબંધી ફરી સખત કરી દીધી છે. આ કરાર હેઠળ ઈરાને 60 દિવસ માટે કોઈપણ ટેક્સ વગર જહાજોને પસાર થવાની મંજૂરી આપી હતી, પરંતુ ત્યારબાદના નિયમો અંગે કોઈ સ્પષ્ટતા નહોતી.
બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝમાંથી પસાર થતાં જહાજો પર 20 ટકા ટેરિફ વસૂલવાની પોતાની યોજના પર યુ-ટર્ન લીધો છે અને હાલ પૂરતી આ વસૂલાત મોકૂફ રાખી છે.
ટ્રમ્પની આ યોજના અમેરિકાની એ જૂની નીતિથી અલગ હતી, જેમાં આ આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગને તમામ દેશોનાં વ્યાપારી જહાજો માટે ટેક્સ વગર ખુલ્લો રાખવાની હિમાયત કરવામાં આવે છે. હાલમાં ઈરાન આ માર્ગ પર ટ્રાફિક નિયંત્રણ અને ટેક્સ લેવાનાં પોતાનાં અધિકાર પર અડગ છે, જ્યારે અમેરિકા તેની સામે સૈન્ય બળથી મોરચો માંડી રહ્યું છે.

