(નયના દવે દ્વારા)
Jamnagar તા.૧૫
ભાવેશભાઈ રામાભાઈ ગાગીયા (ઉં.વ. ૨૯), રહે. મોડપર ગામ, તા. લાલપુર, જિ. જામનગર અને વ્યવસાયે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (એમ.પી.એચ.ડબ્લ્યુ.) તરીકે ફરજ બજાવતા યુવકે મેઘપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તા. ૯ જુલાઈ, ૨૦૨૬ના રોજ તેઓ રાસંગપર ગામના સરકારી સબ સેન્ટર ખાતે ફરજ પર હાજર હતા. તે દરમિયાન બપોરના સમયે તેમના મિત્ર મયુરભાઈ કરશનભાઈ ફળદુ અને નિર્મળભાઈ ડાંગર ત્યાં આવ્યા હતા.ફરિયાદ મુજબ, ભાવેશભાઈએ અગાઉ મયુરભાઈને દસ લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા, જેના બદલામાં મયુરભાઈએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો ચેક આપ્યો હતો. ચેક બાઉન્સ થતાં જામ-ખંભાળિયા કોર્ટમાં ચેક રિટર્નનો કેસ હાલ ચાલી રહ્યો છે. આ કેસ પાછો ખેંચી લેવા માટે મયુરભાઈએ દબાણ કર્યું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ભાવેશભાઈએ પૈસા પરત મળ્યા બાદ જ સમાધાન કરવાની વાત કરતાં મયુરભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો આપી ઝઘડો શરૂ કરી ઢીકા-પાટુનો માર માર્યો હોવાનું આક્ષેપ કરવામાં આવ્યો છે.
બુમાબુમ થતાં સબ સેન્ટરમાં ફરજ બજાવતા અલ્પાબેન નંદાણિયા, યોગીતાબેન ભેડા અને પાલાભાઈ ગઢવી દોડી આવતા હુમલો અટક્યો હતો. ત્યારબાદ મયુરભાઈ ફળદુ અને નિર્મળભાઈ ડાંગર મોટરસાયકલ પર ત્યાંથી નીકળી ગયા હતા. જતાં જતાં જો ચેક રિટર્નનો કેસ પાછો નહીં ખેંચે તો ફરિયાદી અને તેમના પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલુ હોવાથી પ્રથમ કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવાની રાહ જોવામાં આવી હતી અને ત્યારબાદ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

