New Delhi,તા.23
જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકવાદી હુમલામાં મોટો ઘટસ્ફોટ થયો છે. સુરક્ષા દળો જે પોસ્ટરના આધારે આતંકવાદીઓની શોધ કરી રહી છે, તે પોસ્ટર હુમલો કરનારા આતંકવાદીઓના છે જ નહીં.
નેશનલ ઇન્ટેલિજન્સ એજન્સીને મોટો પુરાવો મળ્યો છે. જેમાં હુમલાને અંજામ આપનારા આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા. તેઓ પ્રતિબંધિત આતંકી જૂથ લશ્કર-એ તૈયબા સાથે જોડાયેલા હતા.
આ ખુલાસો આતંકવાદીઓને મદદ કરનારા બે કાશ્મીરી નાગરિકો પરવેજ અહમદ જોથર અને બશીર અહમદ જોથરે કર્યો છે. આ બંને જણ પર આતંકવાદીઓને આશ્રય, ભોજન સહિતની અન્ય સુવિધાઓ પૂરી પાડી હોવાનો આરોપ છે.
આ બંને આરોપીએ જણાવ્યું હતું કે, 20 એપ્રિલની રાત્રે ત્રણેય આતંકવાદીઓ અમારા ઘરે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ભોજન, પૈસા અને કોઈને પણ જાણ ન કરવાની ધમકી આપી હતી.
આ હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે જે ત્રણ સંદિગ્ધ (હાશિમ મૂસા, અલી ભાઈ ઉર્ફ તલ્હા અને આદિલ હુસૈન ઠોકર) આતંકવાદીના સ્કેચ જાહેર કર્યા હતાં. તે ખોટા છે.
વાસ્તવમાં પહલગામ હુમલામાં સામેલ આંતકવાદીઓમાંથી એકનું નામ સુલેમાન શાહ છે. જેણે ગતવર્ષે એક સુરંગ પર આતંકી હુમલો કર્યો હતો. આ હુમલામાં સાત મજૂરોના મોત થયા હતા.
NIA અને કેન્દ્રીય એજન્સીઓએ હુમલા બાદ ત્રણ આતંકવાદીઓના પોસ્ટર જાહેર કર્યા હતા. જો કે, પરવેઝ અને બશીરે તે હુમલાખોરો ન હોવાનું જણાવ્યું છે. તેમણે જુનૈદના ફોનમાંથી મળી આવેલી તસવીરોમાંથી આતંકવાદીની ઓળખ કરી છે. તેઓ કાશ્મીરી નહીં પણ પાકિસ્તાનના નાગરિક છે.