New Delhi, તા.17
દેશમાં વર્તમાન કાગળના ચલણના સ્થાને પ્લાસ્ટીકની કરન્સી નોટ લાવવાની પ્રક્રિયા ઝડપી બની છે અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયાએ અખબારોમાં જાહેરાત આપીને આ નોટોના પ્રિન્ટીંગ માટે ઓપેસીફાઈડ પોલીમર સબટ્રેટ શીટના ઉત્પાદન માટે અને તે પુરુ પાડવા માટે ટેન્ડર મારફત કંપનીઓને આમંત્રીત કરી છે.
આ પ્રકારની શીટ પ્લાસ્ટીકની નોટો બનાવવા માટે ખાસ જરૂરી છે. આ શીટમાં પ્લાસ્ટીકનું બેઈઝ મટીરિયલ હોય છે જે લાંબા સમય સુધી ચાલે તેવી કરન્સીનું પ્રિન્ટ કરવામાં મહત્વની છે.
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડીયા આ માટે સુરક્ષિત ટેકનોલોજી ઓફર કરી શકે તેવી કંપનીઓને સાથે કરાર કરશે. હાલમાં જ આરબીઆઈએ જાહેર કર્યુ હતું કે તે પ્લાસ્ટીકની નોટો લાવવાની તૈયારી કરી રહી છે.
દેશમાં કાગળની કરન્સીનો પ્રિન્ટીંગ ખર્ચ વધી રહ્યો છે તો બીજી તરફ ભારે ગરમી અને સરકયુલેશન વધવાને કારણે આ પ્રકારની ચલણી નોટોની આવરદા સતત ઘટી રહી છે અને તેના કારણે નોટો ઝડપથી ફાટી જાય છે અને રદીમાં આપવી પડે છે તેના સ્થાને પ્લાસ્ટીકની ચલણી નોટો એ વધુ લાંબા સમય સુધી ચાલે છે અને તે ઝડપથી ફાટતી કે ખરાબ થતી નથી.
વિશ્વના 60 જેટલા દેશો આ પ્રકારે પ્લાસ્ટીકની નોટો ચલણમાં ઉપયોગ કરે છે અને ભારતમાં પણ તે હવે દાખલ કરવાની તૈયારી છે. સૂત્રોના જણાવ્યા મુજબ આગામી એક વર્ષમાં જ આરબીઆઈ આ પ્રકારની ચલણી નોટો લોન્ચ કરી લેશે. આમ આઝાદી બાદ પ્રથમ વખત દેશમાં પ્લાસ્ટીક કરન્સીનો યુગ ચાલુ થશે.

