Surat,તા.23
સુરત મહાનગરપાલિકાએ પાંચ વર્ષ પહેલાં ઈ વ્હીકલ પોલીસી જાહેર કરી હતી તે પોલીસી હવે પૂરી થવા જઈ રહી છે. જેના કારણે સુરત આગામી દિવસોમાં ગ્રીન ઈ વ્હીકલ પોલીસી જાહેર કરવા માટે આયોજન કરી રહી છે. આ નવી પોલીસીમાં પાલિકાએ ઈ વ્હીકલ પોલીસીમાં વ્હીકલ ટેક્સમાં 50 ટકા છુટ આપવા માટે આયોજન કરી રહી છે. આ અમલના કારણે પાલિકાની વ્હીકલ ટેક્સની આવકમાં ફટકો પડે તેમ હોવાથી પાલિકા કેન્દ્ર સરકાર પાસે ગ્રાન્ટ માટેની માંગણી કરશે. સંભવતઃ સુરત પાલિકા 15 જુલાઈ સુધીમાં જાહેર કરી શકે છે અને આ જાહેરાત બાદ આવા પ્રકારની પોલીસી જાહેર કરનાર સુરત દેશનું પહેલું શહેર બની શકે છે.
સુરત પાલિકા નવી ગ્રીન ઈ વ્હીકલ પોલીસી બનાવવા જઈ રહી છે અને તેના માટે હાલ ડ્રાફ્ટ તૈયાર કરવામા આવી રહ્યો છે. આ પોલીસીનો ડ્રાફ્ટ તૈયાર થયા બાદ શાસકો સામે દરખાસ્ત રજૂ કરવામાં આવશે અને તેને સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં મંજુરી માટે રાખવામાં આવશે. આ પોલીસીમાં સુરતીઓ ઈ વ્હીકલની ખરીદી કરશે તેને પાલિકામાં ભરવા પાત્ર વ્હીકલ ટેક્સમાં 50 ટકાની રાહત આપવા માટે આયોજન થઈ રહ્યું છે. પાલિકા વ્હીકલ ટેક્સમાં 50 ટકાની રાહત આપશે તેના કારણે આવકમાં ઘટાડો થઈ શકે તેમ છે
સુરત પાલિકાની જૂની પોલિસી પુરી થઈ રહી છે આ પાંચ વર્ષ પહેલાં પોલીસી જાહેર કરી હતી. જેમાં પ્રથમ વર્ષે ઇ-વ્હીકલ ખરીદનારને 100 ટકા, બીજા વર્ષે 75 ટકા, ત્રીજા વર્ષે 50 ટકા, ચોથા વર્ષે 25 ટકા વ્હીકલ ટેક્સમાંથી છૂટ આપવાની જોગવાઇ કરાઇ હતી. જો કે, પોલીસની અવધિ પૂર્ણ થતાં હવે ઈ-વ્હીકલ માટે નિયમ મુજબ વ્હીકલ ટેક્સ વસુલાય છે. ઇ-વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે ગ્રીન ઈ-વ્હીકલ પોલીસીમાં 50 ટકા વ્હીકલ ટેક્સમાંથી રાહત આપવા આયોજન થઈ રહી છે. પાલિકા વ્હીકલ ટેક્સમાં 50 ટકા રાહત આપશે ત્યારબાદ પાલિકા કેન્દ્ર સરકાર પાસે આ ટેક્સના બદલામાં સરકાર પાસે ફંડ માંગવા માટે પણ આયોજન કરી રહી છે.
સુરતના પર્યાવરણની જાળવણી માટે પાલિકા ગ્રીન ઈ-વ્હીકલ પોલીસી જાહેર કરવા જઈ રહી છે અને તેની સાથે સાથે આગામી દિવસોમાં સુરત શહેરના રસ્તા પર હાઇડ્રોજન બસ પણ દોડે તે માટે પણ પાલિકા વિચારણા કરી રહી છે. જોકે, ઈ વ્હીકલની સરખામણમાં હાઈડ્રોજનથી દોડતી બસ માટે પ્રતિ કિલોમીટરની કિંમત ઓછી થશે. હાલમાં હાઈડ્રોજનથી ભારે વાહનો બનાવે છે અને દિલ્હી અને જમશેદપુર(ઝારખંડ)માં ટ્રાયલ બેઝ પર હાઇડ્રોજન બસ દોડી રહી છે. સુરતમાં પણ ટ્રાયલ બેઝ પર હાઇડ્રોજન બસ દોડાવવા આયોજન કરી રહી છે. સુરતમાં એક માટે હજીરાની એક કંપની પાસે હાઇડ્રોજનનો સૌથી મોટો દેશમાં પ્લાન્ટ છે. જે કંપની સાથે ભવિષ્યમાં હાઇડ્રોજન બસ દોડાવવામાં આવે તો રિફિલ સેન્ટર શરૂ કરવા પણ ડ્રાફ્ટમાં વિચારણા કરવામાં આવી રહી છે.