Jamnagar,તા.23
જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટી વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષના એક યુવાનની ધોળે દહાડે હત્યા નીપજાવાયાની ઘટના સામે આવતાં ભારે ચકચાર જાગી છે. હત્યાની પાછળનું કારણ અનૈતિક સંબંધો કારણ ભૂત હોવાનું મનાઈ રહ્યું છે. જે મામલામાં પોલીસ ટુકડી વધારે તપાસ ચલાવી રહી છે. આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવાગામ ઘેડ ઇન્દિરા સોસાયટીમાં રહેતા મિલન હેમતભાઈ પરમાર નામના ૪૨ વર્ષ યુવાન પર આજે બપોરે તિક્ષણ હથિયાર ના ઘા ઝીંકી દઈ હત્યા નીપજાવાઈ હતી. જે અંગેની જાણકારી મળતાં પરિવારજનોમાં ભારે દોડધામ થઈ હતી, અને આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા. સૌપ્રથમ ૧૦૮ ની ટીમને બોલાવાઇ હતી, અને તેઓએ ઇજાગ્રસ્ત યુવાનને મૃત જાહેર કરતાં બનાવ હત્યામાં પરિણમ્યો હતો, અને પોલીસ કંટ્રોલરૂમને જાણ કરવામાં આવી હતી.સિટી બી. ડિવિઝન પોલીસને આ બનાવની જાણ થતાં સીટી બી. ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો, પરિવારજનો દ્વારા અનૈતિક સંબંધોના કારણે આ હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. જોકે કોણે આ હત્યા કરી છે, તે હજુ પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવી રહી છે. તેમજ હત્યારા આરોપીઓને પકડવા માટે પોલીસ દોડધામ કરી રહી છે. જ્યારે મૃતદેહનો કબજો સંભાળી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.