Jamnagar,તા.23
, જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના માણેકપર ગામમાં પરપ્રાંતિય શ્રમિક પરિવારના બે બાળકો ૧૦ વર્ષની પુત્રી અને આઠ વર્ષના પુત્ર બન્ને ભાઈ બહેન ચેક ડેમમાં નહવા માટે પડ્યા બાદ બંનેના ડૂબી જતાં કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જેથી શ્રમિક પરિવારમાં ભારે અરેરાટી ફેલાઈ છે. આ બનાવની જાણ થતાં ધ્રોલ પોલીસ ટુકડી દોડતી થઈ છે.
આ કરુણાજનક બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના માણેકપર ગામમાં રહીને ખેત મજૂરી કામ કરતા અનીશભાઈ નામના પરપ્રાંતિય શ્રમીક કે જેના બે સંતાનો પુત્રી અનિતા (ઉંમર વર્ષ ૧૦) અને પુત્ર અવીનાશ ૮ઉંમર વર્ષ ૮) કે જે બંને ભાઈ બહેનો આજે બપોરે ૪.૦૦ વાગ્યા બાદ માણેકપુર ગામના ચેકડેમ પાસેના પાણીના ખાડામાં પાણી ભરાયું હોવાથી નાહવા માટે પડ્યા હતા, ત્યાં પાણીના ખાડામાં બંને ભાઈ-બહેન ડૂબી ગયા હતા, અને બંનેના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. આ બનાવની જાણ થતાં શ્રમિક પરિવારમાં ભારે ગમગીની છવાઈ હતી. ધ્રોલ પોલીસે બંને બાળકોના મૃતદેહોનો કબજો સંભાળી ધ્રોળની સરકારી હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. પોલીસે બંને મૃતક બાળકોના પિતા અનીશભાઈ ની જાહેરાત લીધી હતી, અને સમગ્ર બનાવની અંગેની વધુ તપાસ હાથ ધરી છે.