Bangladesh,તા.23
બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસ પર છે. બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ડ્રો રહી. આ દરમિયાન, ક્રિકબઝના અહેવાલ મુજબ, નજમુલ હસન શાંતો શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પછી બાંગ્લાદેશની ટેસ્ટ કેપ્ટનશીપ છોડી શકે છે. તમને જણાવી દઈએ કે શાંતોએ શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટની બંને ઇનિંગ્સમાં સદી ફટકારી હતી. તે ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર પ્રથમ બાંગ્લાદેશી કેપ્ટન બન્યો.
એક નજીકના સૂત્રએ ક્રિકબઝને જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં તેની સાથે જે બન્યું તે પછી, શાંતો તેના નિર્ણય પર અડગ છે. નઝમુલને નજીકથી જાણતા એક સૂત્રએ કહ્યું કે મને લાગે છે કે તે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પછી ટેસ્ટ કેપ્ટન તરીકે રમશે નહીં. નામ ન આપવાની શરતે, સૂત્રએ કહ્યું, હું તેને લાંબા સમયથી ઓળખું છું અને જ્યાં સુધી હું સમજું છું, તે તેની સાથે જે કંઈ થઈ રહ્યું છે તેનાથી ખુશ નથી.
નઝમુલ હસન શાંતોને તાજેતરમાં બાંગ્લાદેશ વનડે ટીમના કેપ્ટન પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. બોર્ડ અને મેનેજમેન્ટના આ નિર્ણયથી ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા. શરૂઆતમાં, શાંતો ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડવા માંગતો હતો. પરંતુ તે સમયે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ ફારુક અહેમદે તેમને વનડે અને ટેસ્ટમાં કેપ્ટન રહેવા અને ટી ૨૦ કેપ્ટનશીપ છોડી દેવા કહ્યું હતું જેથી તે તેની બેટિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકે.
થોડા દિવસો પછી,બીસીબીએ એક ચોંકાવનારો નિર્ણય લીધો અને શાંતોને હટાવીને આગામી ૧૨ મહિના માટે મહેદી હસન મિરાઝને વનડે ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા. શાંતો સહિત બધા આ નિર્ણયથી આશ્ચર્યચકિત થયા. તમને જણાવી દઈએ કે બાંગ્લાદેશ ટીમ શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પછી ત્રણ મેચની વનડે શ્રેણી રમશે.
નઝમુલ હસન શાંતોના આંકડા વિશે વાત કરીએ તો, તેમણે અત્યાર સુધીમાં બાંગ્લાદેશ માટે ૩૬ ટેસ્ટ, ૪૯ વનડે અને ૫૦ ટી ૨૦ મેચ રમી છે. તેમના બેટથી ટેસ્ટમાં ૨૧૬૨,વનડેમાં ૧૫૬૫ અને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૯૮૭ રન બનાવ્યા છે.