Ahmedabad, તા. 17
ડી-ફાઇન આર્ટ દ્વારા આયોજિત “નાદ – Sound of Your Soul” સમકાલીન કલા પ્રદર્શનનું આજે સાંજે અમદાવાદની પ્રતિષ્ઠિત અમદાવાદ ની ગુફા આર્ટ ગેલેરી ખાતે ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન થયું. વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો, કલાકારો, કળાપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાયો.
પ્રદર્શનનું ઉદ્ઘાટન જાણીતા ચિત્રકાર વૃંદાવન સોલંકી, ખ્યાતનામ કવિ માધવ રામાનુજ, લોકગાયક યોગેશ ગઢવી, ઇન્ટિરિયર ડિઝાઇનર અને કલાકાર કુલીન પટેલ, કાર્ટૂનિસ્ટ દિલીપ દવે તેમજ નેહા પારીખ (Treasurer, Indo Femme Association તથા Art Curator, Paris, France) ના હસ્તે કરવામાં આવ્યું.
“નાદ” એટલે આત્માનો સ્વર, સર્જનનું સ્પંદન અને પ્રકૃતિની ઊર્જા. આ ભાવનાને કેન્દ્રમાં રાખીને વિવિધ કલાકારોએ ચિત્રકલા અને શિલ્પકલાના માધ્યમથી પોતાની આગવી સર્જનાત્મક અભિવ્યક્તિ રજૂ કરી છે. ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ કૃતિઓની મુલાકાત લઈ કલાકારોની કલ્પનાશક્તિ, કલાદૃષ્ટિ અને વિષયની રજૂઆતને બિરદાવી હતી.

આ પ્રદર્શનમાં ગુજરાત તથા ભારતના વિવિધ શહેરોમાંથી આવેલા કલાકારો પોતાની કૃતિઓ પ્રદર્શિત કરી રહ્યા છે. તેમાં *સ્વપ્ના જયંત દેશપાંડે (વડોદરા), શ્વેતા પટેલ (સુરત), ઝલક ચૌહાણ (અમદાવાદ), પ્રકાશ ઓડેદરા (પોરબંદર), લકી ટોંક (આગ્રા), તૃપ્તિ એ. બાદરશાહી (પોરબંદર), મનીષા સોંદરવા (જૂનાગઢ), વિભા પટેલ (વડોદરા), નિતલ દાભાડે (વડોદરા), પ્રથમ પટેલ (વડોદરા), મનીષા સુથાર (અમદાવાદ), કિંજલ આર. ઓડેદરા (અમદાવાદ) તથા અવની ચૌબીસા (રાજસ્થાન)*નો સમાવેશ થાય છે.
આ ઉપરાંત આમંત્રિત કલાકારો તરીકે કુલીન પટેલ, સીમા પટેલ અને પ્રિયા પરિયાણીની કૃતિઓ પણ પ્રદર્શનનું વિશેષ આકર્ષણ બની છે.
પ્રદર્શનનું ક્યુરેશન કિંજલ ઓડેદરા અને વિભા પટેલ દ્વારા કરવામાં આવ્યું છે. બંને ક્યુરેટર્સે જણાવ્યું હતું કે “નાદ માત્ર ધ્વનિ નથી, પરંતુ મન, પ્રકૃતિ અને સર્જન વચ્ચેનો આંતરિક સંવાદ છે. આ પ્રદર્શન દ્વારા કળાના વિવિધ સ્વરૂપોમાં તે અનુભૂતિને અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.”
આ પ્રદર્શન 19 જુલાઈ, 2026 સુધી અમદાવાદ ની ગુફા આર્ટ ગેલેરી, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, નવરંગપુરા, અમદાવાદ ખાતે કળાપ્રેમીઓ માટે ખુલ્લું રહેશે. આયોજકો દ્વારા તમામ કળારસિકોને આ અનોખા કલા પ્રદર્શનની મુલાકાત લઈને કલાકારોની સર્જનાત્મક અભિવ્યક્તિનો અનુભવ કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

