Mumbai,તા.24
ભારતના પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનો ગઈકાલે લંડનમાં હાર્ટ એટેક થી નિધન થયું છે. 77 વર્ષીય ક્રિકેટરનો જન્મ રાજકોટમાં 22 ડિસેમ્બર, 1947 ના રોજ થયો હતો. તેઓએ 32 વર્ષની ઉમરે ભારતીય ટેસ્ટ ટીમમાં જગ્યા બનાવી અને પ્રથમ ટેસ્ટ મેચ રમ્યા હતા. ક્રિકેટમાં નિવૃતિ લીધા બાદ તેઓએ ધંધામાં અનેક સાહસિક નિર્ણયો લીધા જેના કારણે દેશમાં બદલાવ આવ્યો હતો.
દિલીપ દોશીનો જૈન પરિવારમાં જન્મ એટલે બાળપણથી જ એવા સંસ્કાર કે ક્રિકેટને કારણે ગમે તેટલું વિશ્વભરમાં પ્રવાસ કરે કે નિવૃતિ બાદ લંડનમાં સ્થાયી થાય પંરતુ જૈન ધર્મ અને મહાવીર સ્વામીના આદર્શોનું હમેશા પાલન કરતા. તેમના નિધન પર ભારતીય ક્રિકેટ બોર્ડ ઉપરાંત અનેક દિગ્ગજ ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો હતો.
દિલીપ દોશીનું શાનદાર ક્રિકેટ કરિયર કેવું રહ્યું?
33 ટેસ્ટ મેચમાં 114 વિકેટ લેનાર દોશી એક સફળ સ્પિન બોલર હતા, તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેમણે છ વખત પાંચ વિકેટ લેવાની સિદ્ધિ પણ મેળવી હતી. દોશી વનડે ક્રિકેટમાં ખૂબ જ ઇકોનોમિક બોલર પણ સાબિત થયા. તેમણે 15 વનડે મેચમાં માત્ર 3.96 ની ઇકોનોમી સાથે 22 વિકેટ લીધી હતી.
ભારતમાં ઘરેલુ ક્રિકેટ રમવા ઉપરાંત, દિલીપ વિદેશી કાઉન્ટી ક્રિકેટ પણ રમ્યા હતા
ભારત માટે રમવા ઉપરાંત, દોશીએ ઘરેલુ ક્રિકેટમાં પણ પોતાનો હાથ અજમાવ્યો. તેમણે સૌરાષ્ટ્ર અને બંગાળની ટીમો સાથે પણ ક્રિકેટ રમ્યું. આ ઉપરાંત, દોશીએ વિદેશી કાઉન્ટી ક્રિકેટમાં વોરવિકશાયર અને નોટિંગહામશાયર માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યું.
ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં વર્ષ 1981ની ટેસ્ટ જીત તેમના ’ક્રિકેટ જીવનની સૌથી મહાન ક્ષણ’ હતી
દિલીપ દોશી એકમાત્ર ભારતીય ખેલાડી છે જેમણે 30 વર્ષની ઉંમર પછી ડેબ્યૂ કર્યું અને ભારત માટે 100 થી વધુ વિકેટ લીધી. દિલીપ દોશી માટે પોતાના જીવનની યાદગાર ક્ષણો માંથી એક હતી જે 1981માં, મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ઐતિહાસિક મેચમાં દોશીએ ભારતને જીત અપાવી અને પાંચ વિકેટ લીધી હતી. દોશીએ આ મેચ ફ્રેક્ચર થયેલા પગ સાથે રમી હતી.
લેજેન્ડ સર ગારફિલ્ડ સોબર્સે કહી હતી આ વાત
ગારફિલ્ડ સોબર્સ, જેમની સાથે દિલીપભાઈ નોટિંગહામશાયરમાં ડ્રેસિંગ રૂમ શેર કરતા હતા, તેમણે કહ્યું હતું કે, “દિલીપ દોશી પાસે ગજબ જ્ઞાન છે જે તેઓને આપી શકે છે જેઓ વ્યાવસાયિક ક્રિકેટમાં તેમના માર્ગને અનુસરવા માંગે છે. તેઓ વિશ્વભરમાં તમામ સ્તરે રમ્યા છે અને સ્પિન બોલિંગની કુશળતા વિશે વાત કરવા માટે તેમનાથી વધુ લાયક કોઈ હોઈ શકે નહીં.
પાર્થિવ પટેલ, રવિ શાસ્ત્રી, રાજદીપ સરદેસાઈ, અનિલ કુંબલે સહિતના દિગ્ગજોએ શ્રધ્ધાંજલી પાઠવી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ઉપરાંત અનેક દિગ્ગજોએ દોશીના નિધન પર શોક વ્યક્ત કર્યો. ભૂતપૂર્વ સ્પિનર અને કેપ્ટન અનિલ કુંબલેએ દોશીના નિધન પર ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ’દિલીપ ભાઈના નિધનના સમાચાર સાંભળીને ખૂબ દુ:ખ થયું. ભગવાન તેમના પરિવાર અને મિત્રોને આ નુકસાન સહન કરવાની શક્તિ આપે.’ કુંબલેએ દોશીના પુત્ર નયનનો પણ મિત્ર તરીકે ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેઓ આ દુ:ખની ઘડીમાં તેમની સાથે છે.
ભારતમાં લકઝરી બ્રાન્ડ લાવનાર દિલીપ દોશી, કેન્દ્ર સરકારે તેમના પ્રોજેક્ટ રિપોર્ટ પર વિદેશી બ્રાન્ડ માટે નીતિ બનાવી
90ના દાયકામાં ક્રિકેટમાંથી નિવૃતિ બાદ દિલીપ દોશીએ વિદેશી લશ્કરી બ્રાન્ડ ભારતમાં લાવવાનો વિચાર કર્યો. તે સમયે માત્ર સ્વદેશી બ્રાન્ડ જ ભારતમાં વહેચાતી હતી. દિલીપભાઈએ વિશ્વવિખ્યાત જર્મન કાંપની મોન્ટ બ્લેન્કનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તે સમયની કેન્દ્ર સરકારને રિપોર્ટ સોંપ્યો.
જેમાં ભારતને કસ્ટમ ડ્યુટીથી કેવી રીતે ફાયદો થાય તેવું જણાવ્યું, અને તેમને સૌપ્રથમ લાયસન્સ મળ્યું હતું. દિલીપ દોશીએ મોન્ટ બ્લેન્ક ઉપરાંત કનાલી, વેજવુડ, બરબરી, એકવા ડી પારમા, બકારા, જિરાડ પેરેગો સહિતની પ્રીમિયમ લકઝરી બ્રાન્ડ ભારતમાં લઈ આવ્યા. તાજ જેવી દેશભરમાં ફાઇવ સ્ટાર હોટલોમાં બૂટિક (સ્ટોર) ખોલ્યા. તેમની કંપનીનું મુખ્ય કાર્યાલય રાજકોટ રાખ્યું હતું, જ્યાંથી દેશભરમાં સંચાલન થતું હતું.
ક્રિકેટ અને ગ્લેમર સાથે સંકળાયેલા હોવા છતાં જૈન ધર્મના સંસ્કારો અને આદર્શોનું સંપૂર્ણ પાલન કરતા
દિલીપભાઈ ક્રિકેટ અને ગ્લેમર દુનિયા સાથે સંકળાયેલા હોવા છતાં શુધ્ધ શાકાહારી અને આ ઉપરાંત વિગન ભોજન જ લેતા. વિગન એટલે ડેરી પ્રોડક્ટ વિનાનું, દૂધ – દહીં, છાશ, ઘી, ચીઝ, બટર ન્હોતા લેતા. આ ઉપરાંત તેઓ વર્ષોથી ચામડાની વસ્તુઓ પહેરવાની કે ખરીદવાની બંધ કરી દીધી હતી.
તેઓ દરરોજ ઉવસગ્ગરહમ પાઠ કરતા હતા. મહુડી જી તીર્થ અને શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનમાં અતૂટ શ્રધ્ધા હોવાથી વર્ષમાં એક વખત દર્શનાર્થે આવતા. આ સાથે પૂજ્ય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબને પણ વંદન કરવા જતા.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી 1979માં શરૂ, 1983માં નિવૃતિ લીધી
32 વર્ષની ઉંમરે ક્રિકેટમાં પ્રવેશ કરનાર દિલીપ દોશીનું આંતરરાષ્ટ્રીય કારકિર્દી બહુ લાંબુ નહોતું. તેમણે 1980ના દાયકામાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. દોશીએ તેમની આત્મકથા – સ્પિન પંચમાં તેમના ક્રિકેટ કારકિર્દી વિશે વિગતવાર વાત કરી છે. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં 898 વિકેટ લેનારા દોશીએ 238 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 43 વખત પાંચ વિકેટ લીધી હતી. છ વખત મેચમાં 10 વિકેટ લીધી હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. એ દિલીપ દોશીને યાદ કર્યા, શ્રધ્ધાંજલી આપી
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. તથા બીસીસીઆઈના ભૂતપૂર્વ સચિવ નિરંજન શાહે પોતાનું ઊંડા દુ:ખ વ્યક્ત કર્યું અને કહ્યું: આ મારા માટે ખૂબ જ પીડાદાયક અને વ્યક્તિગત નુકસાન છે. દિલીપ માત્ર મહાન ક્રિકેટરોમાંના એક નહોતા, પરંતુ શ્રેષ્ઠ માનવીઓમાંના એક હતા. તેમનું ઉમદા હૃદય, પ્રામાણિકતા અને રમત પ્રત્યેનું અમૂલ્ય સમર્પણ તેમને ખરેખર ખાસ બનાવતા હતા.
તેઓ એક પરિવાર હતા – એવી વ્યક્તિ જેની સાથે મેં ફક્ત ક્રિકેટની વાતચીત જ નહીં, પણ પરસ્પર આદર અને સ્નેહ પર બનેલ ઊંડો બંધન પણ શેર કર્યું. તેમની હાજરી હંમેશા હૂંફ, નમ્રતા અને સકારાત્મક ઉર્જા લાવતી હતી. તેઓ જે ખાલીપણું છોડી ગયા છે તે શબ્દોની બહાર છે.
ફક્ત ક્રિકેટની દુનિયા જ નહીં, પણ મારું પોતાનું હૃદય પણ તેમની ગેરહાજરી અનુભવે છે. અમે સાથે વિતાવેલી સુંદર યાદો અને ક્ષણોને હું હંમેશા યાદ રાખીશ. તેમનો વારસો તેમણે પ્રેરણા આપેલા અનેક જીવન દ્વારા જીવંત રહેશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ જયદેવ શાહે ઊંડા દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું: “તેમનું નિધન ક્રિકેટ જગત માટે અને આપણા બધા માટે એક અપૂર્ણ નુકસાન છે. એક ખેલાડી અને એક વ્યક્તિ બંને તરીકે તેમનો વારસો આપણા હૃદયમાં અને ક્રિકેટના ઇતિહાસમાં જીવંત રહેશે. તેમનું અવસાન ખૂબ જ પીડાદાયક અને વ્યક્તિગત નુકસાન છે. તેઓ ફક્ત એક મહાન ક્રિકેટર જ નહોતા – તેઓ મારા કાકા, મારા માર્ગદર્શક હતા.
રમત પ્રત્યેનો તેમનો ઊંડો પ્રેમ, શિસ્તબદ્ધ અભિગમ અને સુંદર વર્તન તેમને પેઢીઓ માટે આદર્શ બનાવ્યા. આપણામાંથી ઘણા લોકો માટે, તેઓ માત્ર મેદાન પર હીરો જ નહોતા, પરંતુ મેદાન પર માર્ગદર્શક અને શુભેચ્છક પણ હતા..
BCCI એ શોક વ્યક્ત કર્યો
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ તેના સત્તાવાર ડ હેન્ડલ પર દિલીપ દોશીનો ફોટો શેર કર્યો અને આ દુ:ખદ સમાચારની માહિતી આપી. ડ પર પ્રકાશિત આ સંદેશમાં, બોર્ડે કહ્યું, ’BCCI ભૂતપૂર્વ ભારતીય સ્પિનર દિલીપ દોશીના દુ:ખદ અવસાન પર શોક વ્યક્ત કરે છે. તેમનું લંડનમાં અવસાન થયું. ભગવાન તેમના આત્માને શાંતિ આપે.’