Bhavnagar,તા.24
બરવાળા શહેરી વિસ્તારમાં નગરપાલિકાના પમ્પીંગ સ્ટેશનોની મોટરો બંધ રહેતા ભુગર્ભ ગટરના દુર્ગંધયુક્ત પાણી ઘરોના શૌચાલયોમાંથી ઉભરાઇ રહ્યા છે. છેલ્લા એક સપ્તાહથી આ અવદશા હોવા છતાં તંત્રના પેધી ગયેલા અધિકારીઓ, આગેવાનો દ્વારા કશા પગલા નહીં ભરાતા લોકોમાં રોષનો ચરૂ ઉકળી ઉઠયો છે.
બરવાળા શહેરમાં ભુગર્ભ ગટરના ગંદા પાણી લોકોના ઘરમાં ઘુસી જતા લોકો ત્રાહિમામ થઇ ગયા છે. છેલ્લા એક સપ્તાહથી બરવાળા નગરપાલિકાના સત્તાધિશોને ફરિયાદ કરવા છતાં નગરપાલિકાના પેધી ગયેલા સત્તાધિશોના પેટનું પાણી પણ હલતું નથી. નગરપાલિકા પાસે સાધન નથી અને પમ્પીંગ સેન્ટરની તમામ મોટરો બંધ છે. વાસ્તે સાત દિવસથી ભુગર્ભ ગટરોના પાણી સંડાસમાંથી ઉભરાતા લોકોના ઘરોમાં તીવ્ર ગંદી વાસ આવે છે અને ભયંકર રોગચાળો ફેલાવાની દહેશત છે તેવા સમયે તંત્ર દ્વારા આંખ આડા કાન કરવાની નીતિની ભારે ટીકાઓ થઇ રહી છે. નગરપાલિકાના સભ્યો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવે છે પરંતુ મોટાભાગના હોદ્દેદારો સવારથી સાંજ નગરપાલિકાની એસી ઓફીસમાં બેસીને બોરડીના બોરની ચિંતા કરતા જોવા મળે છે.