New Delhi,તા,25
ગ્લોબલ વોર્મિંગની અસર ભલે આખી દુનિયા પર પડી રહી છે, પરંતુ જો વાત કરીએ ભારત સહિત એશિયા ક્ષેત્રની તો ધરતીનો આ ભાગ બમણી ઝડપે ગરમ થઈ રહ્યો છે. વિશ્વ હવામાન સંગઠને એશિયાની આબોહવા પર એક નવો રિપોર્ટ તૈયાર કર્યો છે.
આ મુજબ 1991-2020ના ત્રણ દાયકા દરમિયાન સમગ્ર વિશ્વનું સરેરાશ તાપમાન લગભગ અડધાં ડિગ્રી વધ્યું છે, જ્યારે આ જ સમયગાળામાં એશિયાનું તાપમાન 1.04 ડિગ્રીનો વધારો નોંધાયો છે. આ રિપોર્ટમાં પાછલાં 30 વર્ષ 1961-1990ની તુલના કરવામાં આવી છે. આ રિપોર્ટ તુરંતમાં જાહેર કરવામાં આવશે.
દરિયાનાં તાપમાનમાં પણ લગભગ બમણો વધારો થયો
આ સમયગાળા દરમિયાન એશિયામાં સમુદ્રની સપાટીના તાપમાનમાં 0.24 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. વૈશ્વિક સરેરાશ 0.13 ડિગ્રી છે. એટલે કે દરિયાનાં તાપમાનમાં પણ લગભગ બે ગણો વધારો થયો છે. આનાથી સમગ્ર એશિયામાં આત્યંતિક હવામાનની ઘટનાઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, જે તેનાં અર્થતંત્ર, ઇકોસિસ્ટમ અને સમાજને અસર કરે છે, એમ અહેવાલમાં જણાવાયું છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે, દક્ષિણપૂર્વ એશિયામાં ગરમીનો પ્રકોપ સૌથી વધુ જોવા મળ્યો છે. આ દરમિયાન તાપમાનનો રેકોર્ડ 48.2 ડિગ્રી સુધી નોંધાયો છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે 2024 એ રેકોર્ડ પરનું સૌથી ગરમ અથવા બીજું સૌથી ગરમ વર્ષ રહ્યું છે.
જો કે, આ વર્ષે સમુદ્રના તાપમાનના રેકોર્ડ પર સૌથી ગરમ વર્ષ જાહેર કરવામાં આવ્યું છે. પૃથ્વીનાં તાપમાન અંગેની કેટલીક માહિતી હજી અંતિમ નિષ્કર્ષ પર પહોંચી શકી નથી.
મધ્ય હિમાલય અને આસપાસનાં વિસ્તારોમાં 24 મુખ્ય હિમનદીઓમાંથી 23 જેટલાં ગ્લેશિયરોને વધતાં તાપમાનને કારણે મોટું નુકસાન થયું છે. જેનાં કારણે આ વિસ્તારમાં નવા તળાવોનું નિર્માણ થયું છે, બરફના ઓગળવાથી અને અન્ય મુશ્કેલીઓ ઊભી થઈ છે.
આવી જ રીતે ભારે વરસાદ, વાવાઝોડા જેવી વિષમ હવામાનની ઘટનાઓને કારણે એશિયાઈ દેશોને ભારે નુકસાન થયું છે. આમાં જાનહાનિ અને આર્થિક નુકસાન બંનેનો સમાવેશ થાય છે.