Surendranagar,તા,25
સુરેન્દ્રનગર જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં હલકી ગુણવત્તાના રોડ, રસ્તાથી વાહનચાલકો સહિત લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે અને અનેક વખત રજુઆતો બાદ પણ કોઈ જ ઉકેલ આવ્યો નથી ત્યારે લખતરથી વિઠ્ઠલાપરા સુધી કરોડો રૃપીયાના ખર્ચે બનાવેલ ફોરલેન રોડની હલકી ગુણવત્તા અને નબળી કામગીરીની ફરિયાદો ઉઠવા પામી છે.
સરકાર દ્વારા નવા રોડ, રસ્તા માટે કરોડો રૃપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે પરંતુ સ્થાનીક અધિકારીઓની બેદરકારી અને કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે લોકોને ગુણવત્તા યુક્ત ટકાઉ સુવિધાઓથી વંચીત રહેવાનો વારો આવ્યો છે. લખતર-વિઠ્ઠલાપરા સુધી ફોન લેનની કામગીરી માર ત્રણ વર્ષ જેટલો સમય થયો હોવા છતાં હાલ કામગીરી દરમ્યાન ઓળક ગામ નજીક બનાવેલી સંરક્ષણ દિવાલની નબળી કામગીરી સામે આવી છે. અંદાજે બે વર્ષ પહેલા જ ઓળક ગામ પાસે વિરમગામથી લખતર તરફ આવતા સાઈડની દિવાલ ચોમાસા દરમ્યાન ધરાશયી થઈ હતી ત્યારે ચાલુ વર્ર્ષે પણ લખતરથી વિરમગામ તરફ જતા ઓળક ગામ પાસે જતા દિવાલ તુટી પડી હતી અને માત્ર હાલ ૩ વર્ષના સમયગાળામાં રોડની બંને બાજુની દિવાલો તુટી પડતા હલકી ગુણવત્તાની કોન્ટ્રાક્ટર દ્વારા કરી હોવાનું સામે આવ્યું છે. જે અંગે ઉચ્ચકક્ષાએથી તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. હાલ તંત્ર દ્વારા ઓળક નજીક પડી ગયેલ સંરક્ષણ દિવાલનું નવું કામકાજ કરવામાં આવી રહ્યું છે. જે નવી દિવાલની કામગીરીની બાજુમાં જ વરસાદી પાણી ભરાયું હોવા છતાં રીપેરીંગની કામગીરી કરવામાં આવતી હોવાની ગ્રામજનોમાં ફરિયાદો ઉઠવા પામી છે અને નવી બનાવવામાં આવી રહેલ દિવાલ કેટલો સમય ટકશે તે અંગે પણ ચર્ચાઓએ જોર પકડયું છે. જ્યારે સમગ્ર કામગીરીનું ઉચ્ચકક્ષાએથી તપાસ અને નિરિક્ષણ કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.