છેલ્લા આઠ દિવસથી તબિયત બરાબર ન હોવાથી ધીરેથી ચાલ્યા ગયા હતા
Rajkot,તા.25
શહેરના કેસર એ હિન્દ પુલ નીચે આજી નદીના પાણીના ખાડામાંથી ગઈકાલે બપોરે મળેલો વૃદ્ધ નો મૃતદેહ ઓળખાયો હતો, મરનાર મૂળ ગોંડલના અને દાણાપીઠમાં મજૂરી કરતા રહીમ જુસબ રાજા વાંઢા હોવાનું બહાર આવ્યું છે. ગઈકાલે બપોરે પૂલ નીચે પાણીના ખાડામાં મૃતદેહ ડૂબેલો જોવા મળતા બી ડિવિઝન પોલીસે ઘટના સ્થળે મૃતદેહ ને સિવિલમાં મોકલ્યો હતો. બી, ડિવિઝન પોલીસ દ્વારા મૃતકની ઓળખ માટે કરેલી તજવીજમાં મરનાર મૂળ ગોંડલના દાણાપીઠના મજુર રહીમ જુસબ રાજા વાંઢા હોવાનું ખુલ્યું હતું. રહીમભાઈ છેલ્લા ચાર વર્ષથી રાજકોટમાં પોતાના ભાણેજ અને નાના ભાઈ ના ઘરે વારાફરતી રહેતા હતા, તેમને કોઈ સંતાન ન હોવાથી એકલા જ હતા, છેલ્લા કેટલાક સમયથી શ્વાસની બીમારી અને મગજની તકલીફ થઈ જતા સારવાર ચાલતી હતી છેલ્લા આઠ દિવસથી ફરી તબિયત અસ્થિર થઈ જતા સોમવારે સવારે દૂધની ડેરી પાસે આવેલ હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર ના રહેણાંક મકાનમાંથી ક્યાંક ચાલ્યા ગયા હતા અને પાછા ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ કરી હતી.આજી નદીના ખાડામાંથી મૃતદેહ મળ્યો હોવાની જાણ થતા રહીમભાઈના પરિવારજનોએ હોસ્પિટલ જઈને તપાસ કરતા મૃતદેહ રહીમભાઈનો હોવાનું ઓળખાયું હતું. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે વૃધ્ધ જ્યારે પાણીના ખાડામાં હતા ત્યારે રાહદારીએ તેમને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે બહાર નીકળ્યા ન હતા.. અને રાહદારી ચાલ્યા ગયા બાદ ડૂબી જવાથી મોતને ભેટ્યા હતા આ અંગે બી ડિવિ ,પીએસઆઇ શ્યોરા તપાસ ચલાવી રહ્યા છે