Botadતા.26
ગુજરાતમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં વિસાવદર બેઠકમાં જે ભાજપને જે ભૂકંપ જેવા આંચકો લાગ્યો છે અને બીજી તરફ આમ આદમી પાર્ટી પોતાના ગુજરાતના વિજયની ઉજવણી કરીને રાજયમાં પોતાની ક્ષમતા વધારે તેવા પ્રયોસો શરૂ કર્યા છે તે વચ્ચે જ હવે એક પોલીટીકલ ભૂકંપ તોળાઈ રહ્યો છે અને ભાજપે આપના આ વિજય ઉમંગને બ્રેક મારવાની તૈયારી કરી લીધી હોય તેવા સંકેત છે.
ખાસ કરીને આમ આદમી પાર્ટીમાં લાંબા સમયથી અસંતુષ્ટ રહેલા બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા આજે આપમાંથી અને વિધાનસભામાંથી રાજીનામુ આપે તેવા સંકેત છે. સુત્રોના જણાવ્યા મુજબ ‘આપ’ના જે કુલ પાંચ ધારાસભ્યો 2022ની ધારાસભા ચૂંટણીમાં વિજેતા બન્યા હતા તેમાં અગાઉ જ ભૂપત ભાયાણી કે જે વિસાવદરમાંથી ચૂંટાયા હતા.
તેઓએ ભાજપનું કેસરીયો ખેસ પહેરી લીધો અને પોતે રાજીનામું આપતા પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ‘આપ’ના ગોપાલ ઈટાલીયા 1700થી વધુ મતે જીતી જતા ભાજપને જબરો આંચકો લાગ્યો હતો પરંતુ તેના ગણત્રીના કલાકોમાં ભાજપે ઓપરેશન લોટસને ફરી એકશનમાં મુકી દીધુ છે.
સુત્રોના જણાવ્યા મુજબ આમ આદમી પાર્ટીમાં પોતાને લાંબા સમયથી એકલા પડી ગયા હોવાનો અનુભવી રહેલા ઉમેશ મકવાણા આજે વિધાનસભા અને પક્ષમાંથી રાજીનામુ આપશે આમ ફરી એક વખત ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પેટા ચૂંટણી આવે તેવી શકયતા છે.
ગઈકાલથી ઉમેશ મકવાણા કોન્ટેકમાં નથી અને આજે તેઓ રાજીનામું આપીને જ પત્રકાર પરીષદ યોજશે તેવી શકયતા છે. જો કે આ અંગે મકવાણા કે તેના વર્તુળ તરફથી કોઈ સંકેત મળ્યા નથી.
સુત્રોના જણાવ્યા મુજબ મકવાણા ઉપરાંત ગારીયાધારમાંથી ચૂંટાયેલા ‘આપ’ના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ પક્ષથી નારાજ છે અને તેથી જ આમ આદમી પાર્ટીનો વિજયનો ઉત્સાહ નવી કટોકટીમાં ફેરવાઈ જાય તેવી શકયતા નકારાતી નથી.