વિધાનસભામાં ‘પદ’ મુદ્દે નારાજગી, ઈટાલીયાની એન્ટ્રી કારણ
Botad તા.26
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજે પત્રકાર પરીષદ યોજીને નવું સસ્પેન્સ બનાવ્યું છે. તેમાં વાસ્તવમાં વિધાનસભામાં ‘પદ’ અંગેનો વિવાદ હોવાનું માનવામાં આવે છે જો કે મકવાણા લાંબા સમયથી અસંતુષ્ટ બની રહ્યા છે.
મૂળ ભાજપના અને વિદ્યાર્થી પરીષદથી પોતાની કેસરીયા કારકીર્દી શરૂ કરનાર મકવાણા 22 વર્ષ સુધી ભાજપમાં રહ્યા પણ ગત ચૂંટણીમાં ટીકીટ ન મળતા આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડયા અને વિજેતા બન્યા આમ તેમના ભાજપના કોન્ટેક યથાવત છે અને બે માસ પૂર્વે જ તેઓએ પોતાનો આક્રોશ પક્ષ પર ઠાલવ્યો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ વિધાનસભામાં ગોપાલ ઈટાલીયાની એન્ટ્રીથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય પક્ષમાં હવે તેને નેતા બનાવાય તેવી શકયતા છે જેના કારણે ચેતર વસાવા કે જેઓ હાલ નેતા પદે છે તેમને દંડક બનાવાય તો ઉમેશ મકવાણાને દંડક પદ છોડવું પડે તેવી શકયતાઓ જ બનતા તેઓએ દબાણ શરૂ કરવાનું માનવામાં આવે છે.
ગોપાલ ઈટાલીયા અને સાથીદારો દિલ્હીમાં હતા તે સમયે મકવાણાએ ટાઈમ બોમ્બ ગોઠવ્યો
ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ વિસાવદર બેઠક જીતીને રાજયમાં ફરી કમબેક કરવાની મહત્વાકાંક્ષા રાખી છે. અને તે પૂર્વે અચાનક જ શરૂ થયેલા રાજકીય સખળ વિડખલમાં આજે નિર્ણાયક દિવસ બનશે. વિસાવદરજય બાદ નવા ધારાસભ્ય બનેલા ગોપાલ ઈટાલીયા અને પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના અગ્રણીઓ ગઈકાલે દિલ્હીમાં અરવિંદ કેજરીવાલના આશીર્વાદ લેવા પહોંચ્યા હતા.
તે પૂર્વે જુસ્સાભર પ્રવચનો થયા છે અને તે પૂર્વે ઉમેશ મકવાણાનો ટાઈમ બોમ્મ ટીક ટીક થવા લાગતા ‘આપ’ના અગ્રણીઓ મારતા ઘોડે અમદાવાદ આવવા રવાના થયા હોય તેવા સંકેત છે. અને ઉમેશ મકવાણાને આખરી ઘડીએ મનાવી લેવાશે તેવો પક્ષના સુત્રોએ વિશ્ર્વાસ વ્યકત કર્યો હતો.
મકવાણા પક્ષ નહીં છોડે ‘આપ’ને વિશ્વાસ
ઉમેશ મકવાણા આજે કોઈ મોટી જાહેરાત કરવા જઈ રહ્યા છે તે વચ્ચે આમ આદમી પાર્ટીના વર્તુળોએ જણાવ્યું કે તેઓએ મકવાણાનો સંપર્ક કર્યો છે ચોકકસ પણે કોઈ તેમને કોઈ પ્રશ્ન છે પણ તેમણે ખાત્રી આપી છે કે તેઓ પક્ષ છોડવાના નથી.