Rajkot,તા.26
રાજકોટમાં સવારથી અસહ્ય ઉકળાટ અને બફારા બાદ બપોરે એકાએક ભારે-મુશળધાર વરસાદ ખાબકયો હતો અને અંદાજીત પોણો કલાકમાં બે ઈંચ વરસાદ પડી જતા માર્ગો જળમગ્ન બની ગયા હતા.
ફાયરબ્રિગેડમાં બપોરે ત્રણ વાગ્યે નોંધાયેલા આંકડા પ્રમાણે સેન્ટ્રલ ઝોનમાં સૌથી વધુ બે ઈંચ વરસાદ થયો હતો. સીઝનનો કુલ વરસાદ 312 મી.મી. (12 ઈંચ) થયો છે. ઈસ્ટઝોનમાં આજે 36 મી.મી.-દોઢ ઈંચ (સિઝનનો 237 મી.મી.) તથા વેસ્ટઝોનમાં આજે 43 મી.મી. (સિઝનનો 323 મી.મી.) વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે બપોરે અઢી વાગ્યા સુધીના રિપોર્ટમાં 27 મી.મી. વરસાદ થયાનુ દર્શાવ્યુ હતું. રાજકોટમાં બપોરે ભારે વરસાદને પગલે શહેરભરના માર્ગો જળમગ્ન બન્યા હતા અને પાણી રેલવા લાગ્યા હતા. લોકોએ પણ ભીંજાવાનો વખત આવ્યો હતો.
આકાશ એકાએક કાળા ડીબાંગ વાદળોથી ઢંકાઈ ગયુ હતું અને લાંબા વખત સુધી ભારે વરસાદ થવાનુ ચિત્ર ખડુ થયુ હતું. આ તકે ગાજવીજ અને વિજળીના ચમકારા પણ થયા હતા. જો કે, પોણા-એકાદ કલાકમાં જ વરસાદે વિરામ લઈ લીધો હતો અને આકાશમાં ઉઘાડનું ચિત્ર ખડુ થઈ ગયુ હતું.
આ પુર્વે શહેરમાં સવારથી ભારે ઉકળાટ અને અસહ્ય બફારો હતો એટલે વરસાદ વરસવાનો આશાવાદ હતો જ. જો કે, બે દિવસથી આકાશમાં વાદળો થતા હોવા છતાં મેઘરાજા ડોળ જ કરતા હોય તેમ વરસાદ વરસતો ન હતો. પરંતુ આજે બપોરે મેઘરાજાએ ધડબડાટી કરી દીધી હતી અને પોણા-એક કલાક સુધી ભારે વરસાદ વરસાવ્યો હતો.
દરમ્યાન ગુજરાતભરમાં વરસાદી માહોલ હતો. સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજા સક્રીય બની ગયા હોય તેમ રાજકોટ ઉપરાંત જીલ્લાના લોધિકા તથા જુનાગઢ-અમરેલી જીલ્લામાં પણ વરસાદ હતો.