Surendranagar,તા.27
સુરેન્દ્રનગર જિલ્લામાં બુધવાર સાંજથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ શરૃ થયો હતો અને શહેરીજનોને ગરમીથી રાહત મળી હતી. આ સાથે જ ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે. ગુરૃવારે સતત બીજા દિવસે સવારે પણ વાદળછાયા વાતાવરણમાં છૂટા છવાયા સુરેન્દ્રનગર શહેર અને તાલુકા અને ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારમાં વરસાદ પડયો છે. બીજી તરફ શહેરી વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી ચાર-પાંચ દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના ભાગરૃપે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સુરેન્દ્રનગર સહિત વઢવાણ, જોરાવરનગર, રતનપરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો. જેમાં વઢવાણ તાલુકામાં ગુરૃવારે બપોરના ૨-૦૦થી ૪-૦૦ માં ૩૫ મીમી (દોઢ ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, ચોટીલા તાલુકામાં ૨૩ મીમી, મુળી તાલુકામાં ૧૩ મીમી અને ચુડા તાલુકામાં ૭ મીમી અને લીંબડી તાલકુામાં ૫ મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે બપોરે ૪-૦૦ થી ૬-૦૦ માં થાન તાલુકમાં ૩૨ મીમી (દોઢ ઈંચ) વરસાદ નોંધાયો હતો. આ સિવાય અન્ય તાલુકામાં પણ ઝરમર વરસાદ ખાબક્યો હતો. જ્યારે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી તેમજ ખેડૂતોમાં પણ સારા વરસાદને લઈ આનંદની લાગણી જોવા મળી હતી.