New Delhi,તા.27
જાહેર ક્ષેત્રની ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સને કર અધિકારીઓ દ્વારા રૂ.2,298 કરોડની ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ની માંગની નોટિસ મળી છે. કંપનીએ ગઇકાલે જણાવ્યુ હતુ કે, જીએસટી માંગની આ શોકોઝ નોટિસ મુંબઇ દક્ષિણ તેમજ મહારાષ્ટ્ર રાજ્યના એડીશનલ કમિશનરની ઓફીસ તરફથી મળી છે.
ન્યુ ઇન્ડિયા એશ્યોરન્સને ફટકારવામાં આવેલી આ નોટિસમાં જણાવ્યું છે કે, એપ્રિલ 2018થી માર્ચ 2023ના સમયગાળામાં છેતરપીંડી તથા હકીકત છૂપાવવાનો આરોપ છે તેથી જીએસટીની માંગ વીમાકંપની પાસેથી શા માટે ન કરવી જોઇએ તેમ જણાવ્યું છે. નોંધનીય છે કે આ નોટીસ સીજીએસટી કાયદો 2017ની કલમ 74 અને 123 હેઠળ ફટકારવામાં આવી છે.
જેમાં કલમ 74 કલમ આ બાબત સાથે સંબંધિત જ્યાં કરની ચૂકવણી ન કરવી કે ખોટો ઉપયોગ કરવો અથવા જાણીજોઇને ખોટી જાણકારી આપવી, જ્યારે કલમ 123 સમયસર રિટર્ન ફાઇલ ન કરવા સંબંધિત છે. કંપનીએ કહ્યું છે કે આ નોટિસની તેની નાણાકીય, કાર્યકારી અથવા અન્ય પ્રવૃત્તિઓ પર કોઈ અસર થશે નહીં અને તે તેનો કડક જવાબ આપશે.
GST અધિકારીઓએ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ પર ચૂકવણી ન કરવાનો, ઓછી ચૂકવણી કરવાનો, ખોટી રીતે રિફંડ મેળવવાનો અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC)નો દુરુપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. નોટિસમાં છેતરપિંડી, ઇરાદાપૂર્વક ખોટી રજૂઆત અથવા હકીકતો છુપાવવાના આધારે આ માંગ કરવામાં આવી છે.
વધુમાં, આ નોટિસ વીમા ઉદ્યોગમાં વ્યાપક મુદ્દાઓ સાથે સંબંધિત હોઈ શકે છે, જેમ કે 2023માં ન્યૂ ઇન્ડિયાને મળેલી રૂ.2,379 કરોડની બીજી GST નોટિસમાં જોવા મળ્યું હતું. તે સમયે, વીમા પ્રીમિયમ પર GST ન ચૂકવવા અને પુન:વીમા કમિશન પર કર ચૂકવવા સંબંધિત હતી, જ્યાં મુખ્ય વીમાદાતાએ ફોલોઅર વીમાદાતા વતી 100% GST ચૂકવ્યો હતો.
ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સે સ્ટોક એક્સચેન્જને જાણ કરી હતી કે તે આ નોટિસનો સમયસર જવાબ આપશે અને તેને વિશ્વાસ છે કે તેની તરફેણમાં મજબૂત આધાર છે. કંપની કહે છે કે આ નોટિસની તેના વ્યવસાય અથવા નાણાકીય સ્થિતિ પર કોઈ અસર થશે નહીં. કર સલાહકારોની સલાહના આધારે, કંપની ટૂંક સમયમાં વિગતવાર જવાબ ફાઇલ કરશે.
આ નોટિસ વીમા ક્ષેત્રમાં GST અધિકારીઓની વધતી જતી તપાસનો એક ભાગ છે. તાજેતરના વર્ષોમાં નીચે જણાવેલ ઘણી વીમા કંપનીઓને સમાન નોટિસ મળી છે.
જેમાં બજાજ એલિયાન્ઝ જનરલ ઇન્શ્યોરન્સ: રૂ.1,010 કરોડની નોટિસ, HDFC લાઇફ: રૂ. 942 કરોડની નોટિસ, ICICI પ્રુડે. લાઇફ: રૂ. 492 કરોડની નોટિસ, ICICI લોમ્બાર્ડ: રૂ. 1,729 કરોડની નોટિસ, LIC: રૂ. 290 કરોડની નોટિસ પડી છે. આ નોટિસોનું કુલ મૂલ્ય રૂ. 5,832 કરોડ છે, જે વીમા ઉદ્યોગમાં GST અનુપાલન પર વધતા નિયમનકારી ધ્યાનને પ્રતિબિંબિત કરે છે.