Mumbai,તા.27
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ 2 જૂલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ખાતે રમાશે. આ પહેલા ભારતીય કેમ્પમાંથી એક ખરાબ સમાચાર આવ્યા છે. આ સમાચાર ટીમ ઇન્ડિયા અને તેના ચાહકોના ટેન્શનમાં વધારો કરશે.
રિપોર્ટ અનુસાર, સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સુદર્શન માટે એજબેસ્ટન ટેસ્ટ મેચમાં રમવું મુશ્કેલ છે. જો રિપોર્ટ પર વિશ્વાસ કરવામાં આવે તો લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ દરમિયાન સુદર્શનને ખભામાં ઈજા થઈ હતી. હાલમાં સાઈ સુદર્શનની ઈજા અંગે BCCI તરફથી કોઈ અપડેટ આવ્યું નથી.
સાઈ સુદર્શને લીડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી પહેલી ટેસ્ટથી પોતાની ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, તે પોતાની ડેબ્યૂ ઇનિંગમાં શૂન્ય પર આઉટ થયો હતો. આ પછી તે બીજી ઇનિંગમાં માત્ર 30 રન કરી શક્યો હતો.
હવે જો સુદર્શન બીજી ટેસ્ટમાં નહીં રમે તો તેના સ્થાને ધ્રુવ જુરેલ અથવા નીતિશ કુમાર રેડ્ડીમાંથી કોઈ એકને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન મળી શકે છે. આવી સ્થિતિમાં કરુણ નાયર ત્રીજા નંબરે બેટિંગ કરી શકે છે.
યુવા ફાસ્ટ બોલર હર્ષિત રાણાને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતની 18 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો પરંતુ ઇન્ડિયા-એ મેચ પૂરી થયા પછી તેને પાછો મોકલવામાં આવ્યો ન હતો. તે 19મા ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો હતો.