(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦
જામનગર તા ૨૦, જામનગર જિલ્લાના ધ્રોલ શહેરના મેમણચોક વિસ્તારમાં ભારત-ઇંગ્લેન્ડ વન-ડે ક્રિકેટ મેચ પર ઓનલાઈન સટ્ટો રમતા એક વેપારીને ધ્રોલ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી રૂ. ૫ હજારની રોકડ રકમ અને રૂ. ૧૦ હજાર કિંમતનો મોબાઇલ મળી કુલ રૂ. ૧૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત ઓનલાઈન સટ્ટા માટેની આઈડી અમદાવાદના એક બુકીએ આપ્યાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હોવાથી પોલીસે તેની સામે પણ કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ મુજબ ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ કાથળભાઈ મકવાણાને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે ધ્રોલના મેમણચોક વિસ્તારમાં આવેલી રોયલ ટચ દુકાનની બહાર ઇમરાનભાઈ સલીમભાઈ દેદરાણી (ઉંમર ૩૮), રહે. મેમણચોક, દેરાસર શેરી, પોતાના મોબાઇલમાં ભારત-ઇંગ્લેન્ડ વન-ડે ક્રિકેટ મેચ પર પૈસાની હારજીતનો ઓનલાઈન જુગાર રમી રહ્યો છે.
બાતમીના આધારે પંચોની હાજરીમાં રેડ પાડતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના રિયલમી કંપનીના મોબાઇલમાં વેબસાઇટ પર તેની આઈડી ખુલ્લી મળી હતી. તેમાં ભારત-ઇંગ્લેન્ડ વન-ડે મેચમાં ઇંગ્લેન્ડની તરફેણમાં રૂ. ૨૦ હજારનો દાવ લગાડેલો હોવાનું સામે આવ્યું હતું. આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે ઇંગ્લેન્ડ જીતે તો રૂ. ૧૭ હજારનો નફો મળે તે માટે દાવ લગાવ્યો હતો.પોલીસે આરોપી પાસેથી રૂ. ૫ હજારની રોકડ અને રૂ. ૧૦ હજાર કિંમતનો મોબાઇલ કબ્જે કરી કુલ રૂ. ૧૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ ઓનલાઈન સટ્ટા માટેની આઈડી અમદાવાદના દિનેશભાઈ તુલશીભાઈ સોમૈયા પાસેથી મેળવી હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે આરોપી સામે સંબંધિત કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે તેમજ આઈડી પૂરી પાડનાર અને તપાસ દરમિયાન નામ ખુલનારા અન્ય શખ્સોની સંડોવણી અંગે વધુ તપાસ શરૂ કરી છે.

