(નયના દવે દ્વારા) Jamnagar તા.૨૦
લાલપુર તાલુકાના પડાણા પાટિયા નજીક હાઈવે પર રવિવારે વહેલી સવારે બે ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એક ડમ્પર ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતમાં ઘાયલ ચાલકના બંને પગમાં ફ્રેક્ચર થતાં તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સમગ્ર મામલે અકસ્માતગ્રસ્ત ડમ્પરના માલિકે બીજા ડમ્પરના ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જ્યાની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ કચ્છ જિલ્લાના નાના કપાયા ગામે રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા રાણસીભાઈ પચાણભાઈ સાગરે જણાવ્યું હતું કે તેમનો ડમ્પર (જીજે-૧૨-બીજે-૭૮૧૨) જામનગર તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન પાછળથી આવતો ડમ્પર (જીજે-૩૯-ટીએ-૧૨૭૮), જે આનંદભાઈ કાનજીભાઈ મહેશ્વરી ચલાવી રહ્યા હતા, લાલપુર તાલુકાના પડાણા પાટિયા નજીક સ્પીડ બ્રેકર પાસે આગળના ડમ્પરે બ્રેક મારતાં સમયસર બ્રેક લગાવી શક્યો ન હતો અને પાછળથી ધડાકાભેર અથડાયો હતો.અકસ્માતમાં આનંદભાઈ કાનજીભાઈ મહેશ્વરી ડમ્પરની કેબિનમાં ફસાઈ ગયા હતા અને તેમને બંને પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.ફરિયાદીના જણાવ્યા મુજબ અકસ્માતનું કારણ ડમ્પર ચાલક આનંદભાઈએ વધુ ઝડપે તેમજ ગફલતભરી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવું હોવાનું જણાતાં તેમની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરી છે.

