Ahmedabad,તા.૨૦
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં થયેલા જીવલેણ બ્લાસ્ટ કેસની તપાસ વધુ અસરકારક અને પારદર્શક રીતે થાય તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે.
પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ, રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાની ગંભીરતા અને ઘટનામાં અનેક લોકોના મોત તથા ઇજાઓને ધ્યાનમાં રાખીને એસઆઇટીની રચના કરવામાં આવી છે. તપાસ દરમિયાન તમામ ભૌતિક, વૈજ્ઞાનિક, ડિજિટલ તેમજ દસ્તાવેજી પુરાવાઓનું નિયમ મુજબ સંરક્ષણ રાખવાનો પણ ખાસ નિર્દેશ આપવામાં આવ્યો છે.
આ એસઆઇટીનું સુપરવિઝન અધિક પોલીસ કમિશનર (સેક્ટર-૨) કરશે. ટીમમાં ઝોન-૪ના નાયબ પોલીસ કમિશનર, એસ ડિવિઝનના મદદનીશ પોલીસ કમિશનર અને રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પોલીસ કમિશનરે જીૈં્ને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, વિસ્ફોટક નિષ્ણાતો, ઇલેક્ટ્રિકલ નિષ્ણાતો, ફાયર વિભાગ, શ્રમ વિભાગ સહિત જરૂરી તમામ સરકારી વિભાગો સાથે સંકલન કરીને તપાસ કરવાની સૂચના આપી છે. ઉપરાંત, તપાસની પ્રગતિ અંગે સમયાંતરે અહેવાલ રજૂ કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
અધિકારીઓને સાક્ષીઓ, પુરાવાઓ અને ઘટનાસ્થળ સંબંધિત તમામ માહિતી એકત્ર કરીને નિષ્પક્ષ તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. હવે એસઆઇટીની તપાસ બાદ બ્લાસ્ટ પાછળનું ચોક્કસ કારણ અને જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી અંગે વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે

