Buenos Aires,તા.21
ફિફા વર્લ્ડ કપ 2026ના રોમાંચક ફાઇનલ મુકાબલામાં સ્પેને અર્જેન્ટીનાને 1-0થી હરાવીને બીજી વખત વર્લ્ડ કપ ટ્રોફી પોતાનાં નામે કરી લીધી છે. આ હાર સાથે જ અર્જેન્ટીનાના મહાન ફૂટબોલર લિયોનેલ મેસીનું સતત બીજી વખત ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું હતું.
મેસી માટે આ છેલ્લો વર્લ્ડ કપ માનવામાં આવી રહ્યો હતો, જેના કારણે ચાહકોમાં ભારે નિરાશા છવાઈ ગઈ હતી અને મેચ પૂરી થતાં જ અર્જેન્ટીનાની રાજધાની બ્યુએનોસ આયર્સમાં હિંસા ભડકી ઉઠી હતી.
રાજધાનીના મુખ્ય કેન્દ્ર ગણાતાં ઓબેલિસ્ક નજીક હજારોની સંખ્યામાં ઉશ્કેરાયેલા ફેન્સ રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. જોતજોતામાં વાતાવરણ વણસી ગયું અને ચાહકો તથા પોલીસ વચ્ચે તીવ્ર ઝડપ શરૂ થઈ ગઈ હતી. હિંસક બનેલી ભીડે પોલીસ ટુકડીઓ પર સીધો પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેનાથી બચવા માટે પોલીસે કવર શિલ્ડનો સહારા લેવો પડ્યો હતો.
રમખાણો દરમિયાન શહેરમાં અનેક જગ્યાએ તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. રસ્તાઓ પર ઉભેલાં વાહનો અને જાહેર સંપત્તિને નિશાન બનાવી સળગાવવામાં આવી હતી, જેનાં કારણે સમગ્ર ઓબેલિસ્ક વિસ્તારમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં. ઉજવણી માટે ભેગી થયેલી ભીડ મિનિટોમાં હિંસક તોફાનીઓમાં ફેરવાઈ ગઈ હતી.
સ્થિતિ સંપૂર્ણપણે બેકાબૂ બનતાં પોલીસે તોફાનીઓને વિખેરવા માટે સખત વલણ અપનાવ્યું હતું. રસ્તાઓ પર હુમલો કરી રહેલી ભીડ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને જમીન પર પડેલાં ઉપદ્રવીઓ પર પણ બળપ્રયોગ કરવો પડ્યો હતો. હાલ સમગ્ર વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ છે અને સુરક્ષાદળો તૈનાત કરી દેવામાં આવ્યાં છે.

