New York, તા. 21
ખિતાબી મુકાબલામાં અંતિમ સીટી વાગવાની સાથે જ લગભગ છ અઠવાડિયામાં ત્રણ દેશોમાં રમાયેલા કુલ 104 મેચોનો ફૂટબોલ મહાકુંભ સમાપ્ત થઈ ગયો. આ ટૂર્નામેન્ટમાં મેદાન પર રોમાંચક રમત જોવા મળી જેમાં ઉલટફેર, નાટકીય વાપસી, શાનદાર ગોલ અને રમતનાં સૌથી મોટા સિતારાઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન સામેલ હતું. હવે 2030 ફીફા ફૂટબોલ વર્લ્ડ કપમાં થનારી આગામી મુલાકાત પહેલાં, આ વર્લ્ડ કપની કેટલીક ખાસ વાતો અને ખાસ યાદો પર નાખીએ એક નજર:
નાની ટીમોનો મોટો ધમાકો :-
નવા 48 ટીમ વાળા ફોર્મેટને લઈને એકતરફી મુકાબલા અને ગ્રુપ સ્ટેજમાં રોમાંચની કમીની ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી હતી, પરંતુ કેપ વર્ડે, કોંગો અને કુરાસાઓ જેવી ટીમોએ ઇતિહાસ રચ્યો અને નવા ફેન્સ બનાવ્યાં. કેપ વર્ડે પોતાની પહેલી મેચમાં સ્પેનને ડ્રો પર રોક્યું, રાઉન્ડ ઓફ-32 માં જગ્યા બનાવી અને અર્જેન્ટીનાને શાનદાર ટક્કર આપી, પરંતુ એક્સ્ટ્રા ટાઇમમાં 2-3 થી હારી ગયા.
આ એક યાદગાર મેચ હતી. કોંગો પણ ગ્રુપ સ્ટેજથી આગળ વધ્યું અને ઇંગ્લેન્ડને જોરદાર ટક્કર આપી, પણ આખરે હારી ગયું. કુરાસાઓ પાસે પણ પોતાની આખરી ગ્રુપ મેચ સુધી નોકઆઉટમાં પહોંચવાની તક હતી. ફિફાએ વધુ ટીમો માટે દરવાજા ખોલ્યાં અને તેમણે સાબિત કરી દીધું કે તેઓ ફૂટબોલના સૌથી મોટા મંચ પર મુકાબલો કરી શકે છે.
મોટા સિતારાઓનો રહ્યો દબદબો :-
અપેક્ષા રાખવામાં આવી હતી કે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને આપવામાં આવતાં ’ગોલ્ડન બૂટ’ની રેસ રોમાંચક હશે અને થયું પણ એવું જ. ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલાં સૌથી મોટા સિતારાઓમાં સામેલ લિયોનેલ મેસી, કિલિયન એમ્બાપ્પે, હેરી કેન અને જુડ બેલિંગહમે પોતાની શાનદાર રમતથી ટૂર્નામેન્ટના અંતિમ દિવસ સુધી આ રેસને જીવંત રાખી. અર્લિંગ હોલેન્ડ ભલે ક્વાર્ટર ફાઇનલમાં નોર્વેની હાર બાદ સ્વદેશ પરત ફર્યા, પરંતુ જતાં પહેલાં તેમણે ટૂર્નામેન્ટ પર પોતાની
મોટી છાપ છોડી. દર્શકોનો પણ રેકોર્ડ :-
ટૂર્નામેન્ટ શરૂ થતાં પહેલાં ચિંતા હતી કે ફિફાની ’ડાયનામિક પ્રાઇસિંગ’ (સમય સાથે બદલાતી કિંમતો) ના કારણે સામાન્ય ફેન્સ માટે મેચની ટિકિટ ખરીદવી મુશ્કેલ થઈ જશે. સામાન્ય વેચાણમાં ટિકિટની કિંમતો પાછલાં વર્લ્ડ કપની કિંમતો કરતાં ઘણી વધારે હતી. આમ છતાં, ફાઇનલ પહેલાં 6.5 મિલિયનથી વધુ લોકોએ સ્ટેડિયમમાં જઈને મેચો નિહાળી, જે પાછલાં બે વર્લ્ડ કપના સંયુક્ત દર્શકોની સંખ્યા કરતાં પણ ઘણી વધારે છે.
નિશાના પર રહ્યો VAR :-
આખી ટૂર્નામેન્ટ દરમિયાન ઉપયોગમાં લેવાયેલું વિડીયો આસિસ્ટન્ટ રેફરી (VAR) ટીકાકારોના નિશાના પર રહ્યું. VAR ના કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોએ ફેન્સને હેરાન કર્યા.
હાઇડ્રેશન બ્રેકથી નિરાશા :-
બંને હાફની વચ્ચે પાણી માટેનો બ્રેક એક નવી વસ્તુ હતી. સ્ટેડિયમમાં હાજર ફેન્સે હૂટિંગ કર્યું અને ભૂતપૂર્વ ખેલાડીઓએ પણ આની ટીકા કરી.

