New Delhi, તા. 21
પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ (PPAC) ના સત્તાવાર આંકડા અનુસાર, ગત વર્ષની સરખામણીએ જૂન મહિનામાં ભારતની ક્રૂડ ઓઈલની આયાતમાં ઘટાડો નોંધાયો હોવા છતાં તેનું કુલ આયાત બિલ 48 ટકા વધીને $14.7 અબજ (લગભગ રૂ.1.22 લાખ કરોડ) પર પહોંચી ગયું છે.
જૂન 2025 માં ભારતે 20.3 મિલિયન ટન ક્રૂડની આયાત કરી હતી, જેની સામે આ વર્ષે જૂનમાં 7.1 ટકા ઘટીને 18.9 મિલિયન ટન આયાત થઈ છે. જોકે, વૈશ્વિક બજારમાં કાચા તેલના ભાવ પ્રતિ બેરલ 69.77 ડોલરથી વધીને સરેરાશ $85.47 ડોલર થઈ જતાં ભારતે વધુ રકમ ચૂકવવી પડી છે.
સર્જાયેલી અડચણોને કારણે પશ્ચિમ એશિયામાંથી થતો ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાયો છે અને વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવ વધ્યાં છે. આ કટોકટી વચ્ચે દેશમાં બળતણની અછત ન સર્જાય તે માટે ભારતીય રિફાઇનરીઓએ રશિયા, વેનેઝુએલા, બ્રાઝિલ અને અંગોલા જેવા દેશોમાંથી આયાત વધારી દીધી છે. જૂન મહિનામાં ભારતે પોતાની જરૂરિયાતનું લગભગ 50 ટકા ક્રૂડ ઓઈલ એકલા રશિયા પાસેથી જ ખરીદ્યું છે.
ભારત પોતાની જરૂરિયાતનું લગભગ 90 ટકા ક્રૂડ ઓઈલ, 50 ટકા એલએનજી અને 60 ટકા એલપીજી વિદેશી બજારોમાંથી આયાત કરે છે. ચાલું નાણાકીય વર્ષ (2026-27) ના પ્રથમ ત્રણ મહિના (એપ્રિલ થી જૂન) માં ભારતનું ક્રૂડ ઓઈલ આયાત બિલ 61 ટકા વધીને 49.8 અબજ થઈ ગયું છે.
સ્થાનિક બજારમાં પેટ્રોલ-ડીઝલની ઉપલબ્ધતા જાળવી રાખવા માટે સરકારે પશ્ચિમ એશિયાની કટોકટીની શરૂઆતથી જ ઈંધણની નિકાસ પર એક્સાઈઝ ડ્યુટી પણ લાદેલી છે.

