New Delhi,તા.30
સામાન્ય માણસ મોટાભાગે સોનાના સિકસ અથવા બિસ્કીટ વિશે જ ઓળખ ધરાવતો હશે પરંતુ રિઝર્વ બેન્ક 12.5 કિલોની ઈંટ તરીકે સોનું સાચવે છે તે વિશે ભાગ્યે જ કોઈ માહીતી બહાર આવી હશે. હવે ખુદ રિઝર્વ બેન્કે પ્રથમ વખત સમગ્ર વિગતો સાથેની ડોકયુમેન્ટરી જાહેર કરી છે.
ભારતીય રીઝર્વ બેન્ક સોનાના મહત્વને સમજે છે અને એટલે જ 1992 ના આર્થિક સંકટ બાદ સોનાના ભંડારમાં સતત વધારો કરી રહી છે. હાલ રિઝર્વ બેન્ક પાસે સોનાનો સ્ટોક 870 ટન છે.12.5 કિલો વજનની એક એવી સોનાની ઈંટ મારફત આ સોનું સાચવે છે.
રિઝર્વ બેન્કે જારી કરેલી ડોકયુમેન્ટરીમાં બેંકની કામકાજ-પ્રવૃતિની માહીતી પણ દર્શાવી છે. જે અંતર્ગત દુનિયામાં સૌથી વધુ કરન્સી નોટો છાપતા દેશોમાંથી ભારત એક હોવાનું જાહેર કર્યું છે. ડોકયુમેન્ટરીમાં પ્રથમ વખત રિઝર્વ બેન્કનાં તિજોરીને દર્શાવવામાં આવી છે.
માહિતી પ્રમાણે રિઝર્વ બેન્ક દ્વારા 870 ટન સોનાનો સ્ટોક સૌથી સુરક્ષીત સ્થળોએ રાખવામાં આવ્યો છે. ગોલ્ડ વોલ્ટ સુધી બહુ ઓછા લોકો જઈ શકે છે. બેંક અધિકારીનાં કહેવા પ્રમાણે સોનું માત્ર મેટલ નથી પરંતુ દેશની તાકાત છે. અર્થ વ્યવસ્થામાં જુદા જુદા કારણોથી ઉતારચઢાવ શકય છે. પરંતુ સોનાના મુલ્ય અકબંધ રહે છે.
કરન્સી નોટનો કાગળ ‘વેસ્ટ કોટન’માંથી બને છે
રિઝર્વ બેન્કના અધિકારીએ કહ્યું કે કરન્સી નોટનો કાગળ વેસ્ટ કોટનમાંથી બને છે. ટેકસલાઈન મીલોનો તો નકામો કચરો હોય છે. કરન્સી નોટમાં 40 થી વધુ સુરક્ષા ફીચરો હોય છે. જેમાં ‘થ્રેડ’ (દોરો) લૈકેંટ ઈમેજ વગેરે વિશે લોકો વાકેફ હોય છે. પરંતુ અન્ય અનેક સુરક્ષા ફીચર્સ માત્ર ખાસ ઉપકરણથી જ જોઈ શકાતા હોય છે.