Tehran, તા.21
મધ્યપૂર્વમાં યુધ્ધ વધુને વધુ વકરી રહ્યું હોય તેમ અમેરિકાના હુમલાનો જવાબ આપવા માટે ઇરાન હવે હોર્મુઝને નિશાન બનાવવા લાગ્યું છે. ઇરાને હોર્મુઝમાં બે તેલ ટેન્કરોને ફુંકી માર્યા હતા. સૈન્ય હુમલાને પગલે બન્ને તેલ ટેન્કરમાં વિસ્ફોટ સાથે આગ ફાટી નીકળી હતી. આ ઉપરાંત બહેરીનમાં અમેરિકી ડીફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવી હતી.
ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડસ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું કે બહેરીનમાં અમેરિકી મિલીટ્રી સિસ્ટમ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મૌજુદ રડાર સિસ્ટમ પણ સામેલ હતી. રિફામાં પેટ્રિપટ એર ડીફેન્સ સિસ્ટમને પણ નિશાન બનાવવામાં આવી હતી. ઇરાને જોર્ડન સ્થિત અમેરિકી સૈન્ય મથક પર કરેલા હુમલામાં એક સૈનિકનું મોત થયું હતું. અન્ય એક લાપતા બન્યો હતો હવે તેનો પણ મૃતદેહ મળી આવતા અમેરિકા વધુ આક્રમક બન્યું હતું.
ઇરાનના રાષ્ટ્રપતિ મસૂદે કહ્યું કે સંપૂર્ણ યુધ્ધ શરૂ થઇ જ ગયું છે અને ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરવાની તૈયારી છે સાથોસાથ એવી પણ ચેતવણી આપી છે કે ખર્ગ ટાપુ પર કબ્જો કરવાનો પ્રયાસ થશે તો અમેરિકાનો એકપણ સૈનિક જીવતો પાછો નહીં જાય. બીજી તરફ અમેરિકા દ્વારા સતત 10મા દિવસે ઇરાન પર ભીષણ હુમલા ચાલુ રાખવામાં આવ્યા હતા. ઇરાનના ભારતીય રોકાણ ધરાવતા ચાબહાર બંદર પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
અમેરિકાના નવા હુમલાને પગલે યુધ્ધ હવે સમગ્ર મધ્ય પૂર્વમાં વકરવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકી સેન્ટ્રલ કમાંડ દ્વારા ટ્વિટ કરવામાં આવ્યું હતું કે ઇરાની સૈન્ય ક્ષમતાનો નાશ કરવાના ટારગેટ સાથે આ હુમલા કરાયા હતા.
ઇરાની મિલીટ્રી કમાંડ સેન્ટર તથા ડ્રોન લોન્ચ સાઇટ અને ડીફેન્સ સિસ્ટમને નિશાન બનાવવામાં આવી હતી. અમેરિકી હુમલા બાદ ચાબહાર તથા કોનારકમાં પ્રચંડ વિસ્ફોટ સંભળાયા હતા. આ ઉપરાંત બંદર અબ્બાસ તથા બુશેહર નજીક એર ડીફેન્સ ધડાકા પણ થયા હતા. ઇરાની સમાચાર સંસ્થાએ જાહેર કર્યું હતું કે બુશહેર અગુ પાવર પ્લાન્ટ નજીક એર ડીફેન્સ સિસ્ટમ એક્ટીવેટ થઇ હતી.
ચાબહાર, કોનારક ઉપરાંત કેશમ આઇલેન્ડ નજીક પણ પ્રચંડ વિસ્ફોટ થયા હતા. ઇરાની હુમલામાં અમેરિકન સૈનિકોના મોત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ ભયાનક આક્રમક કરવાના આદેશ જારી કર્યા છે અને તેની સામે ઇરાન પણ અમેરિકી હિતોને ટારગેટ કરી રહ્યું છે. હોર્મુઝમાં બે તેલ ટેન્કર પર હુમલા ઉપરાંત કુવૈતમાં અમેરિકાની હિમાર્સ મિસાઇલ સિસ્ટમ તોડી પાડ્યાનો પણ દાવો કર્યો છે.

