Ukraine , તા. 21
યુક્રેનના ઓડેસા બંદર પાસે કાળા સાગરમાંથી પસાર થઈ રહેલાં એક માલવાહક જહાજ (કાર્ગો શિપ) પર રશિયાએ મિસાઈલ હુમલો કર્યો છે. આ ભયાનક હુમલામાં જહાજ પર સવાર 4 ભારતીય નાવિકોના કરૂણ મોત થયાં છે, જ્યારે 1 ભારતીય નાવિક ગંભીર રીતે ઘાયલ થયો છે. ભારત સરકારે આ ઘટના પર ભારે દૂખ વ્યક્ત કર્યું છે અને યુદ્ધ ક્ષેત્રમાં નિર્દોષ નાગરિકો અને વેપારી જહાજોને નિશાન બનાવવાની ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી છે.
જે જહાજ પર હુમલો થયો તેનું નામ ‘ગોલ્ડન લિયો’ છે. તુર્કીની માલિકીનું અને ગિની-બિસાઉ દેશનાં ધ્વજ હેઠળ ચાલતું આ શિપ અનાજનો જથ્થો લઈને યુક્રેનના દરિયાઈ માર્ગેથી બહાર નીકળી રહ્યું હતું, ત્યારે રશિયાની ત્રણ Kh-59/Kh-69 ક્રૂઝ મિસાઈલો તેની સાથે અથડાઈ હતી.
આ જહાજ પર કુલ 17 ક્રૂ મેમ્બર્સ સવાર હતાં, જેમાંથી 5 ભારતીય હતાં અને બાકીના સીરિયાના નાગરિકો હતાં. આ હુમલામાં જહાજના યુક્રેનિયન નેવિગેટરનું પણ મોત થયું છે.
નવી દિલ્હી સ્થિત વિદેશ મંત્રાલયે (MEA) આ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું કે 4 ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યો છે અને ઘાયલ નાવિકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ભારતે કોઈપણ દેશનું સીધું નામ લીધાં વિના સ્પષ્ટ કહ્યું કે, “વેપારી જહાજોને નિશાન બનાવવા, નિર્દોષ નાગરિકોનાં જીવ જોખમમાં મૂકવા અને આંતરરાષ્ટ્રીય વેપારમાં અડચણ ઊભી કરવી એ અત્યંત ખેદજનક છે અને તેનાથી બચવું જોઈએ.” યુક્રેનમાં આવેલું ભારતીય દૂતાવાસ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.
આ ઘટના સાથે જ રશિયા-યુક્રેન વચ્ચે છેલ્લાં ચાર વર્ષથી વધુ સમયથી ચાલી રહેલાં સંઘર્ષમાં અત્યાર સુધીમાં જીવ ગુમાવનારા ભારતીય નાગરિકોની સંખ્યા વધીને 53 થઈ ગઈ છે. આ પહેલાં 49 ભારતીયોનાં મોત રશિયન સેનામાં સપોર્ટ સ્ટાફ તરીકે યુદ્ધનાં મેદાનમાં કામ કરતી વખતે થયાં હતાં. આ ઉપરાંત, આ જ વર્ષે ફેબ્રુઆરીથી શરૂ થયેલાં ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકા વચ્ચેનાં સંઘર્ષમાં પણ 14 ભારતીય નાગરિકો પોતાનાં જીવ ગુમાવી ચૂક્યાં છે.
યુક્રેનના વિદેશ મંત્રી એન્દ્રી સિબિહાએ સોશિયલ મીડિયા પર આ હુમલાની નિંદા કરતાં કહ્યું કે રશિયાને નિર્દોષ લોકોનાં જીવની કોઈ પરવા નથી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી દરિયાઈ વેપાર માર્ગો પર હુમલા વધી રહ્યાં છે.
તાજેતરમાં હોર્મુઝની સામુદ્રધુની નજીક પણ ઈરાન અને અમેરિકા દ્વારા વેપારી જહાજો પર થયેલાં હુમલાઓમાં પણ ભારતીય નાવિકોએ જીવ ગુમાવ્યા હતા, જે અંગે ભારતે સંબંધિત દેશો સમક્ષ આકરો વિરોધ નોંધાવ્યો હતો.

