Morbi,તા.30
બટેટાની ગુણીઓની આડમાં છુપાવેલો બીયરનો જથ્થો જપ્ત
૨૮ લાખથી વધુના મુદામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લીધો
મોરબી જીલ્લામાં સ્થાનિક પોલીસની નાકામીને પગલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ અવારનવાર રેડ કરવા આવતી હોય છે ગત રાત્રીના માળિયા-હળવદ હાઈવે પર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બટેટાની ગુણીઓની આડમાં છુપાવી લઇ જવાતા ૧૮.૨૫ લાખનો બીયરનો જથ્થો ઝડપી લઈને ટ્રક સહીત ૨૮ લાખથી વધુના મુદામાલ સાથે ટ્રક ચાલકને ઝડપી લઈને મુદામાલ હળવદ પોલીસને સોપવામાં આવ્યો છે
મોરબી જીલ્લાની સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજી ટીમોની કામગીરી અસરકારક રહી ના હોય જેથી દારૂની રેડ માટે SMC ટીમ અવારનવાર દરોડા કરતી રહે છે અગાઉ મોરબીના રાજપર અને ટંકારા સહિતના પંથકમાં SMC ટીમે રેડ કરી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે ગત રાત્રીના SMC ટીમને બાતમી મળી હતી કે માળિયા હળવદ હાઈવે પર બટેટાની ગુણીઓ નીચે બીયરનો જથ્થો છુપાવી હેરાફેરી કરવામાં આવતી હોય જેથી SMC પીઆઈ પી પી બ્રહ્મભટ્ટની ટીમે હળવદના દેવળિયા ગામ નજીક ટ્રકને આંતરી લીધો હતો જે ટ્રકમાં બટેટાની ગુણીઓની આડમાં બીયરનો જથ્થો છુપાવી રાખ્યો હતો
SMC ટીમે ટ્રકમાંથી બીયરના ટીન નંગ ૮૨૯૮ કીમત રૂ ૧૮,૨૫,૫૬૦ ટ્રક કીમત રૂ ૧૦ લાખ, મોબાઈલ કીમત રૂ ૧૦,૦૦૦ અને રોકડ રૂ ૧૯૦૦ સહીત કુલ રૂ ૨૮,૩૭,૪૬૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ટ્રક ચાલક મુકેશ પુનામાંરામ જગનું રહે રાજસ્થાન વાળાને ઝડપી લીધો છે જે ટ્રક ચાલક વિરુદ્ધ અગાઉ ટંકારા પોલીસ મથક અને લોધિકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ મુજબ ગુના નોંધાઈ ચૂકયા છે
અન્ય આરોપી બીયરના જથ્થાની સપ્લાય કરનાર ડી એસ જાસોલના નામ અને મોબાઈલ નંબર તેમજ બે અજાણ્યા વ્યક્તિ, ટ્રક માલિક, ટ્રકના ફાસ્ટટેગ ધારક અને બીયરનો જથ્થો મંગાવનાર સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી મુદામાલ હળવદ પોલીસ મથકમાં સોપી ટીમે વધુ તપાસ હાથ ધરી છે