(નયના દવે દ્વારા)
Jamnagar તા.૨૧
જામજોધપુર તાલુકાના પરડવા ગામે જાહેરમાં લીમડાના ઝાડ નીચે ચાલી રહેલી જુગારની મહેફિલ પર જામજોધપુર પોલીસે દરોડો પાડી ૩ મહિલાઓ સહિત ૯ વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના બાવન પાના તેમજ રોકડા રૂ. ૧૧,૭૨૦નો મુદામાલ કબજે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પરડવા ગામની ભાણપર સોસાયટી વિસ્તારમાં રામભાઈ ગાંગડિયાના ઘરની બહાર આવેલા લીમડાના ઝાડ નીચે કેટલાક લોકો જાહેરમાં ગંજીપત્તાના પાનાં વડે તીન પત્તી રોન પોલીસ નામનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા હોવાની માહિતીના આધારે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન નવ વ્યક્તિઓને જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા હતા.
પકડાયેલા આરોપીઓમાં સવજીભાઈ રૂડાભાઈ વિંઝુડા, પરેશભાઈ વલ્લભભાઈ કટારિયા, ઇસ્માઈલભાઈ મામદભાઈ જખરાણી, રામભાઈ બાબુભાઈ ગાંગડિયા, બાવનજીભાઈ મંગાભાઈ ભટાસણીયા, વિશાલ ગોવિંદભાઈ ગુજરાતી, જલ્પાબેન રામભાઈ ગાંગડિયા, હંસાબેન મુકેશભાઈ ગુજરાતી અને શોભનાબેન દેવાભાઈ ગુજરાતીનો સમાવેશ થાય છે.પોલીસે સ્થળ પરથી ગંજીપત્તાના પાનાં તથા રોકડા રૂ. ૧૧,૭૨૦ મળી કુલ એટલા જ મૂલ્યનો મુદામાલ કબજે કર્યો હતો. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ વલ્લભભાઈ માલદેભાઈ ભાટુની ફરિયાદના આધારે એએસઆઈ એસ. આર. પરમારની રૂબરૂમાં જામજોધપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

