નવીદિલ્હી,તા.૩૦
ભારત અને અમેરિકાના વેપાર કરારને લઈ મોટી અપડેટ સામે આવ્યું છે. વાસ્તવમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત સાથેના વેપાર કરાર અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, ભારત સાથે ટૂંક સમયમાં વેપાર કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે આ બાબતે પ્રતિક્રિયા આપી છે. તેમણે અમેરિકા સાથેના વેપાર કરાર અંગે સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. નાણાં પ્રધાને કહ્યું છે કે, ભારત ચોક્કસપણે અમેરિકા સાથે સારો સોદો કરવા માંગશે, પરંતુ આ અંગે કેટલીક શરતો રહેશે.
નાણામંત્રી સીતારમણે કહ્યું છે કે, ભારતમાં કૃષિ અને ડેરી ક્ષેત્ર માટે ચોક્કસ મર્યાદાઓ છે. આ બાબત પર વિચાર કરવો મહત્વપૂર્ણ છે. સીતારમણને ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન વિશે પૂછવામાં આવ્યું હતું. અમેરિકા સાથેના વેપાર સોદા પર જવાબ આપતાં તેમણે કહ્યું, હા, કેમ નહીં, અમે એક સારો સોદો કરવા માંગીએ છીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગેની સ્થિતિ ૮ જુલાઈ સુધીમાં સંપૂર્ણપણે સ્પષ્ટ થઈ જશે. ટ્રમ્પના મતે ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરારના માર્ગમાં આવતા તમામ અવરોધો ટૂંક સમયમાં દૂર થઈ શકે છે. આ કરારમાં, ઉત્પાદન અને સેવાઓ તેમજ ઓટોમોબાઈલ ક્ષેત્રનો સમાવેશ થઈ શકે છે. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર કરાર અંગેની પરિસ્થિતિ હજુ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી. આ અંગે ટૂંક સમયમાં અપડેટ મળી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે એ પણ સમજાવ્યું કે, ભારત માટે અમેરિકા સાથે વેપાર કરાર કેમ મહત્વપૂર્ણ છે. એક ખાનગી ઇન્ટરવ્યુમાં સીતારમણે કહ્યું, આપણે જ્યાં છીએ અને આપણા લક્ષ્યો શું છે, તે તબક્કે આપણે મજબૂત અર્થતંત્રો સાથે આવા કરારો જેટલી જલ્દી કરીશું, તે આપણા માટે એટલા જ સારા રહેશે.