Gandhinagar,તા.1
દેશમાં જીએસટી કલેકશન એ નવા રેકોર્ડ સર્જી રહ્યું છે અને જૂન માસમાં 22.8 લાખ કરોડનું જીએસટી કલેકશન નોંધાયુ છે જે પાંચ વર્ષમાં આ આડકતરા વેરા એ કેન્દ્ર અને રાજયોની આવક ડબલ કરી લીધી છે.
તો બીજી તરફ ગુજરાતે પણ જીએસટીમાં ટોપ ત્રણમાં સ્થાન મેળવી લીધુ છે. 2024-25 ના વર્ષમાં ગુજરાતમાં જીએસટી કલેકશન 1.36 લાખ કરોડ નોંધાયુ છે જે ગત વર્ષના 1.25 લાખ કરોડ કરતા વધુ છે.
આમ ગુજરાતમાં જીએસટી કલેકશન 9.3 ટકા વધ્યુ છે. જો કે દેશમાં સૌથી વધુ જીએસટી કલેકશન રૂા.3.59,855 કરોડ સાથે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે, 1,59,564 કરોડ સાથે કર્ણાટક બીજા ક્રમે જયારે ગુજરાત 1,36,748 કરોડના કલેકશન સાથે ત્રીજા ક્રમે છે.
આમ ગુજરાતે દેશમાં જીએસટી કલેકશનમાં 8.2 ટકાનો ફાળો આપે છે. સેન્ટ્રલ અને સ્ટેટ જીએસટીનો બંનેનો ફાળો સતત વધી રહ્યો છે. 2024-25 દરમ્યાન રાજયનું પોતાનું જીએસટી કલેકશન રૂા.73200 કરોડ નોંધાયુ હતું. જે અગાઉના વર્ષ કરતા 13.6 ટકા વધુ છે.
ગુજરાતમાં જીએસટી ચોરી સામે પણ આકરી કાર્યવાહી કરવામાં આવી છે. રાજયમાં એક વર્ષમાં 804 દરોડા અને તપાસ ઓપરેશનનો કુલ રૂા.412.20 કરોડની જીએસટી ચોરી પકડી લેવામાં આવી હતી અને તે વ્યાજ અને દંડ સાથે વસુલાઈ હતી.
જયારે 13.98 કરોડની રકમ ઈ-વે બીલમાં ગેરરીતિ મારફત મેળવાઈ હતી. દેશમાં ઈ-વે બીલમાં ગુજરાત નંબર વન છે. જો કે રકમની દ્રષ્ટિએ તે બીજા ક્રમે છે. આ ઉપરાંત રાજયમાં જીએસટી ચોરી સામે કામ લેવા 39 મોબાઈલ વાન સતત ફરતી રહે છે અને તેના કારણે રાજયમાં જીએસટી ચોરીનું પ્રમાણ ઘટયું છે.