Jamnagar તા.૧.
જામનગર શહેરમાં ઈસ્કોન દ્વારા આજે તા.૩૦ જૂન, સોમવારે ભગવાન શ્રી જગન્નાથજીની ભવ્ય ૧૮ મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગર-રાજકોટ હાઈવે ધુંવાવ રોડ પહેલા ઈસ્કોન મંદિરમાં સવારે મંગળા આરતી, પ્રવચન, છપ્પન ભોગ વિગેરે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા.
જામનગર-રાજકોટ હાઈવે, ધુંવાવ રોડ, ઈસ્કોન મંદિરમાં આજે સોમવારે ના દિને સવારે ૪-૩૦ વાગ્યે મંગલા આરતીના દર્શન સાથે કાર્યક્રમનું મંગલાચરણ થયુ હતું. એ પછી સવારના સાડાસાત વાગ્યે શ્રૃંગાર દર્શન, આઠ વાગ્યે તથા અગિયાર વાગ્યે ધાર્મિક પ્રવચન, બપોરે સાડાબાર વાગ્યે વિશેષ આરતી-છપ્પનભોગ દર્શન રાખવામાં આવ્યાં હતા.
ભગવાન જગન્નાથજી (જગન્નાથજી-શુભદ્રા-બલરામના વિગ્રહ) ની રથયાત્રાનો આરંભ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ રામ રામ હરે હરે-જય જગન્નાથજીના નાદ સાથે બપોરે ૩:૩૦ વાગ્યે નગરના મહાનુભાવોની અને કૃષ્ણભક્તોની ઉપસ્થિતિમાં પહિંદ વિધિ પછી સુમેર ક્લબ પાસે, સાત રસ્તા પાસે થી પ્રારંભ થયો હતો.જેમાં મેયર વિનોદ ખીમસૂર્યા, ધારાસભ્ય રિવાબા જાડેજા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, નોબતના શ્રી ચેતનભાઇ માધવાણી, શહેર ભાજપ ના મીડીયા સેલના દીપાબેન સોની, લોહાણા અગ્રણી રમેશભાઈ રૂપારેલ સહિત ના અગ્રણીઓ જોડાયા હતા.
આ રથયાત્રા ત્યાંથી ઓશવાળ હોસ્પિટલ રોડ, ખંભાળીયા ગેઈટ, હવાઈ ચોક, સેન્ટ્રલ બેંક, ચાંદીબજાર, સજુબા હાઈસ્કૂલ, બેડીગેઈટ, કે.વી. રોડ, ત્રણ દરવાજા, સુભાષબ્રીજ, રાજપાર્ક, ગુલાબનગર, કાર શો-રૂમ રોડ થઈ ઈસ્કોન મંદિરમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થવા.પામી હતી
રથયાત્રા દરમ્યાન વિવિધ મંડળો દ્વારા દરેક રૂટ પર સ્વાગત થશે તેમજ પ્રસાદ વિતરણ થયું હતું. અને કૃષ્ણ ભક્તો એ, હરે કૃષ્ણ ના મંત્રોનો નાદ કરી રમઝટ બોલાવી હતી.
રાત્રે ૭-૩૦ વાગ્યે પૂર્ણાહુતિ પછી રાત્રે ૮ વાગ્યે દરેક કૃષ્ણ ભક્તો માટે ઈસ્કોન મંદિર પાસેના મેદાનમાં પ્રસાદમ્ની વ્યવસ્થા રાખવામાં આવી હતી.