સૌથી વધુ રૂ. 15.09 લાખનો દંડ ઓવરલોડેડ વાહનોને ફટકારાયો
Rajkot,તા.01
રાજકોટ આરટીઓ કચેરી દ્વારા ગત જૂન માસમાં ટ્રાફિક નિયમોનો ભંગ કરતા ચાલકો વિરુદ્ધ 845 કેસો કરી રૂ. 34.69 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. જેમાં સૌથી વધુ રૂ. 15.09 લાખનો દંડ ઓવરલોડેડ વાહનોને ફટકારવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર ટ્રાફિક નિયમોનો ભંગ કરી બેફામ વાહનો હંકારનાર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની આરટીઓ અધિકારી કે એમ ખપેડની સૂચનાને પગલે અલગ અલગ ટીમો કાર્યરત હતી. જેથી આરટીઓ કચેરીઓ દ્વારા જૂન માસમાં કુલ 845 કેસો કરીને કુલ રૂ.34,69,478 નો દંડ ફટકારવામાં આવેલ હતો.
જે પૈકી સૌથી વધુ ઓવરલોડેડ 131 વાહનોને રૂ.15.09 લાખ, ઓવર ડાઈમેન્શન બદલ 41 કેસો કરી રૂ. 2.01 લાખનો દંડ, કલેન્ડેસ્ટાઇન ઓપરેશન બદલ છ કેસો કરી રૂ. 60 હજારનો દંડ, ટેક્ષ વગર ચાલતા 33 વાહનો ઝડપી રૂ.6,84,478 નો દંડ, વ્હાઇટ લાઇટના 166 કેસો કરી રૂ.1.66 લાખનો દંડ, રેડિયમ રેફલેકટર વગેરે જેવા રોડ સેફ્ટીના 65 ગુનાઓ દાખલ કરી રૂ. 65 હજારનો દંડ, ફિટનેસ વગર દોડતા 73 વાહનો ઝડપી રૂ. 3.65 લાખનો દંડ, સીટબેલ્ટ, પીયુસી, વીમા વગર દોડતા 193 વાહનો ઝડપી રૂ. 1,92,500 નો દંડ, આરયુપીડી અને એસયુપીડીના 42 કેસો કરી રૂ. 42 હજારનો દંડ, ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવનાર 86 ચાલકોને ઝડપી રૂ. 1.72 લાખનો દંડ મળી કુલ રૂ. 34,69,478 નો દંડ ફટકારવામાં આવ્યો હતો.