Washington, તા.2
ભારત અને અમેરિકા વચ્ચે ટેરીફ મુદ્દે હવે આખરી દિવસોની વાટાઘાટો પર જ સમગ્ર દેશની નજર છે તે સમયે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નિર્ણય ભારતે લેવાનો હોવાનું વિધાન કરીને સમગ્ર ટેરીફ મુદ્દે સસ્પેન્સ વધારી દીધુ છે. એક તરફ અમેરિકા પહોંચેલા ભારતના વ્યાપાર સચિવ હાલ વોશિંગ્ટનમાં દિલ્હીની લીલી ઝંડીની રાહ જોઇ રહ્યા છે.
તે વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક વાતચીતમાં કહ્યું હતું કે, ભારત અને અમેરિકા બહુ જલ્દી ટેરીફ મુદ્દે બંનેને સ્વીકાર્ય હોય અને સ્પર્ધાત્મક હોય તેવા કરાર માટે આગળ વધી રહ્યા છે અને જો તે થશે તો ભારત અને અમેરિકા બંને માટે ખુબ જ સાનુકુળ સ્થિતિ હશે.
તેઓએ એવું પણ ઉમેર્યુ કે, બંને દેશો ખુબ જ નીચા ટેરીફની સાથે વ્યાપાર સમજુતી કરશે. આમ પ્રમુખ ટ્રમ્પે એક તરફ ભારત સાથે ટેરીફ મુદ્દે વ્યાપાર સમજુતી થઇ જશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે.
તો બીજી તરફ એ પણ જણાવ્યું કે હું માનું છું કે ભારત તેમ કરશે અને જો તેમ નહીં કરે એમ કહીને તેને વાકય અધુરૂ છોડી દીધુ હતું અને તેની સાથે એ પણ સંકેત આપી દીધો હતો કે ટેરીફ મુદ્દે જે કંઇ નિર્ણય લેવાનો છે તે ભારતે લેવાનો છે.
તા. 9 જુલાઇની ડેડલાઇન પૂર્વે બંને દેશો વચ્ચેના વ્યાપારમાં સમજુતી થશે કે કેમ તે અંગે પણ હજુ અનિશ્ર્ચિતતા છે આથી જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ દિવસના વિદેશ પ્રવાસે રવાના થઇ રહ્યા છે અને તે સમયે અમેરિકા સાથેની આ વાટાઘાટ અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.
જોકે સુત્રોના જણાવ્યા મુજબ ભારત માટે અમેરિકાના એક કૃષિ અને ડેરી ઉત્પાદનોને સસ્તા ટેરીફથી ભારતમાં પ્રવેશ આપવો તે મુદ્દો સૌથી મુશ્કેલ બની ગયો છે અને અગાઉ લખ્યું તેમ તે એક રેડલાઇન છે ભારતનો ડેરી ઉદ્યોગ 8 કરોડ લોકો ચલાવે છે.
વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, અમેરિકા સાથેની વાતચીતમાં આપણે હાલ અધવચ્ચે છીએ અને આશા રાખીએ છીએ વધુ આગળ વધશું અને તેનો અંત સારો હશે. તેઓએ ન્યુઝ વીક સાથેની વાતચીતમાં એ પણ કહ્યું કે આ એક આપો અને લો ની સમજુતી છે.
વાસ્તવમાં અમેરિકા ઇચ્છે છે કે તેના કૃષિ અને ડેરી ઉત્પાદન માટે ભારત દરવાજા ખોલી નાખે પણ ભારતે રાજકીય સહિતના કારણે ખેડુતો અને માલધારીઓને સુરક્ષા આપવી જરૂરી છે.
આ ઉપરાંત અમેરિકાએ પણ સ્પષ્ટ કર્યુ છે કે ભારત કૃષિ મુદ્દે તેના વલણને વળગી રહેશે તો અમેરિકા તેને સ્વીકારશે નહીં. સુત્રોના જણાવ્યા મુજબ હાલની ટકકર ટાળવા વચગાળાની સમજુતી પણ થઇ શકે છે.