Nadiad,તા.02
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા વિસ્તારના મિલકતધારકો પૈકી જેમનો મોટા પ્રમાણમાં મિલકતવેરો બાકી છે, તેમની પાસેથી વસૂલાત માટેની ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. મહાનગરપાલિકાની વેરા ટીમ દ્વારા મોટા બાકીદારો પાસેથી મહિનામાં રૂા. ૧.૧૧ કરોડથી વધુ રકમ બાકી વેરા તરીકે વસૂલવામાં આવી છે.
નડિયાદ મહાનગરપાલિકાની ટીમ દ્વારા જૂન મહિનાના સમયગાળા દરમિયાન ચલાવવામાં આવેલી ખાસ ઝુંબેશમાં ૧૪૯ જેટલા મોટા બાકીદારોને નોટિસ આપવાની તથા સમયસર વેરો ન ભરે તો મિલકત સીલ કરવાની કામગીરી સુધીના નિયમાનુસાર પગલાં ભરવામાં આવ્યા હતા. આ કાર્યવાહી હેઠળ મનપાએ રૂા. ૧.૧૧ કરોડનો ટેક્સ વસુલ્યો છે, તો ૬ જેટલા મિલકત ધારકોની મિલકતો સીલ કરવાની કાર્યવાહી પણ કરાઈ હતી. મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે, આ વેરા વસૂલાત ઝુંબેશ આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવનાર છે. નાગરિકો પોતાનો બાકી મિલકતવેરો ઝડપથી જમા કરાવીને વસૂલાતની આ કામગીરીમાં સહકાર આપે તેવો અનુરોધ પણ કરાયો છે.