Bhavnagarતા.02
રાજુલા પંથકના રામપરા ગામના શખ્સે બાવળ કાપવાની ના પાડયાની દાઝ રાખી સિક્યુરીટી સુપરવાઈઝ સહિત ત્રણ વ્યક્તિ ઉપર હુમલો કર્યાની ઘટનામાં રાજુલા કોર્ટે સાત વર્ષ કેદની સજા અને રોકડ રકમનો દંડ ફટકાર્યો છે.
રામપરા-૨ ગામે રહેતો કાળુ કથડભાઈ વાઘ નામનો શખ્સ વર્ષ ૨૦૧૫માં ટોરેન્ટ પાવર પ્લાન્ટની જમીનમાંથી બાવળ કાપતો હતો. જે બાબતે ઉશ્કેરાઈ જઈ શખ્સે કંપનીના સિક્યુરીટી સુપરવાઈઝર કનુભાઈ લક્ષ્મણભાઈ ડોડિયા અને પ્રતાપભાઈ કુમારભાઈ, નાનુભાઈ ચીનાભાઈને લાડકી વડે માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ થતાં પોલીસે જરૂરી તપાસ કરી કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ રાજુલા કોર્ટમાં ચાલી જતાં નજરે જોનારા સાહેદો, પંચો-તપાસ અધિકારીની જુબાની, વિવિધ દસ્તાવેજી પુરાવાઓ અને સરકારી વકીલની દલીલોને ધ્યાને રાખી ન્યાયમૂર્તિએ શખ્સને સાત વર્ષની સાદી કેદ, રોકડ રકમનો દંડ તેમજ દંડની રકમમાંથી ફરિયાદી કનુભાઈ ડોડિયાને રૂા.૫,૫૦૦નું વળતર ચુકવવા હુકમ કર્યો હતો.