પોકસો અદાલતે ૨૦ વર્ષની કેદનો હુકમ કરતા,જે હુકમ સામે આરોપીએ હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરી ”તી
Rajkot,તા.02
શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારની સગીરાના , દુષ્કર્મના ગુન્હામાં ૨૦ વર્ષ કેદની સજાના હુકમ સામેની અપીલમાં હાઇકોર્ટે આરોપીની સજા સ્ટે કરી જામીન પર મુકત કરવા હુકમ કર્યો છે.કેસની હકીકત મુજબ ભક્તિનગર વિસ્તારમાં રહેતા એવા ભોગ બનનારના પિતાએ ગત તારીખ ૨૭/ ૦૪/ ૨૦૨૨ના રોજ પોલીસ સ્ટેશનમાં પોતાની ૧૬ વર્ષની સગીર વયની પુત્રી સાથે જામનગર રોડ પર રહેતા આ કામના આરોપી વિશાલ ચનાભાઈ પરમારે અપહરણ કરી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી, જેની તપાસમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ હોઇ, આરોપી સગીરાને પોતાના મિત્રના ઘરે લઈ ગયેલ હોય ત્યાં શરીર સંબંધ બાંધેલની હકીકત તપાસમાં ખુલવા પામી હતી, જેના અનુંસંધાને પોલીસ દ્વારા સગીરાને સ્પે. પોકસો કોર્ટના જજ સમક્ષ રજુ કરેલુ હતું.ચાર્જશીટ મૂક્યું હતું. જે કેસ ચાલી જતા આ કામમાં મહત્વના ગણતા સાહેદ એટલે કે ભોગ બનનારની કોર્ટ સમક્ષની જુબાનીમાં બનાવની હકીકત મુજબની જુબાની આપેલ. જેથી પોકસો અદાલતે તા. ૩૦/ ૦૧/ ૨૦૨૫ના રોજ આરોપીને તકસીરવાર ઠરાવી ૨૦ વર્ષ કેદની સજાનો હુકમ ફરમાવેલ,જે હુકમ સામે આરોપીએ ગુજરાત હાઈકોર્ટમાં અપીલ ફાઈલ કરી હતી. જેમાં આ કેસ ભોગબનનારને આરોપી સાથે પ્રેમસંબંધનો હોય અને પરીવારજનો તેની વિરૂધ્ધમાં હોય તેવું અવલોકન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે ૨૦ વર્ષની સજાનો હુકમ મોકૂફ રાખી આરોપીને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામમા આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદગારીમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા અને ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયા છે.