88 બોટલ દારૂ સાથે એકની ધરપકડ : બુટલેગરની શોધખોળ
Rajkot,તા.02
શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકરનગરમાં રહેતા શખસના મકાનમાં એલસીબી ઝોન-૨ ની ટીમે દરોડો પાડી અહીં બાથરૂમમાં બનાવેલા ખાસ ચોરખાનામાંથી રૂપિયા 36,780 ની કિંમત 88 બોટલ દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. દારૂનો આ જથ્થો મોબાઈલ સહિત કુલ રૂ. 66,780 નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. દારૂ આંબેડકરનગરમાં રહેતા પ્રકાશ નામના બુટલેગરનો હોવાનું ખુલતા તેને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી છે.
એલસીબી ઝોન-૨ ના પીએસઆઇ આર.એચ.ઝાલાની રાહબરી હેઠળ ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન એવી બાતમી મળી હતી કે, 150 ફૂટ રીંગ રોડ પર આંબેડકરનગર શેરી નંબર 14 માં રહેતા કૈલાશ ભુપેન્દ્રભાઈ ચાવડા (ઉ.વ 25) નામના શખસે પોતાના મકાનમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે અહીં દરોડો પાડ્યો હતો.ઘરમાં બાથરૂમમાં ખાસ ચોરખાનું બનાવ્યું હોવાનું ધ્યાને આવ્યું હતું. તેમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની 88 બોટલ મળી આવી હતી જેથી પોલીસે દારૂનો આ જથ્થો મોબાઇલ ફોન સહિત રૂપિયા 66,780 ના મુદ્દામાલ સાથે કૈલાશ ચાવડાની ધરપકડ કરી હતી.
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા કૈલાશ ચાવડાની પૂછતાછ કરતા આ દારૂ આંબેડકરનગર શેરી નંબર-૩ માં રહેતા પ્રકાશ સુરેશભાઈ રાઠોડએ આપ્યો હોવાની કબુલાત આપી હતી. જેથી પોલીસે બંને સામે ગુનો નોંધી પ્રકાશ રાઠોડને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
૩૯ બોટલ દારૂ સાથે ઇમિટેશનનો ધંધાર્થી પકડાયો
શહેરના કુવાડવા રોડ પર આશ્રમ પાસે ચામુંડા સોસાયટી નજીક ભગવતી પાર્કથી શ્રીનાથ પાર્ક તરફના રસ્તા પરથી દિલીપ ચમનભાઈ મોલીયા (ઉ.વ 53 રહે. રણછોડનગર શેરી નંબર 29, સદગુરુ જ્યોત એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 204) નામના શખસને રૂ. 28,167 ની કિંમતના 39 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. ઇમિટેશનના ધંધાર્થી એવા આ શખસની પુછતાછ કરતા દારૂનો આ જથ્થો તેને શ્યામ ઉર્ફે ભગત દીપકભાઈ સભાયા (રહે શક્તિ સોસાયટી, સેટેલાઈટ ચોક મોરબી રોડ) એ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે બંને સામે ગુનો નોંધી ભગતને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં શરાબ ભરેલી કાર ઝડપાઈ
રૂ. 5.09 લાખના મુદ્દામાલ સાથે ગૌતમ વાઘેલાની ધરપકડ
મવડી ચોકડી નજીક આવેલ જય ખોડીયાર ઓટો કન્સલ્ટન્ટ પાસે આવેલ ખુલ્લા પ્લોટમાંથી રૂ. 1,59z400 ની કિંમતની અલગ અલગ બ્રાન્ડની 119 શરાબની બોટલ તેમજ આઈ 20 ફોર વ્હીલ કાર જેના નંબર જીજે-36-એસી-4978 મળી કુલ રૂ. 5,09,400 સાથે ગૌતમ જેમલભાઈ વાઘેલા (ઉ.વ.48 રહે. નાગેશ્વર બી-401, શેઠનગર સામે, જામનગર હાઇવે, રાજકોટ)ની ધરપકડ કરી હતી.