Chennai, તા. 3
મદ્રાસ હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે, બાળકોના દિવ્યાંગતા સર્ટીફીકેટ માટે તેના માતા-પિતાના આવકના આધારની કોઇ જરૂર નથી. તામિલનાડુમાં રાજય સરકાર દ્વારા જે યુગલોના બાળકો માનસિક અને શારીરિક રીતે દિવ્યાંગ હોય તેમને જીવનભર ફેમેલી પેન્શન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં લાંબા સમયથી આ યોજનામાં લાભાર્થી કુટુંબ પાસેથી એક યા બીજા પ્રકારના વધારાના દસ્તાવેજો માંગવામાં આવી રહ્યા હોવાની ફરિયાદ આવી હતી અને તેમાં મદ્રાસ હાઇકોર્ટ સમક્ષ વિવાદ પહોંચતા જ હાઇકોર્ટે જણાવ્યું કે દિવ્યાંગતા પેન્શન એ યોગ્યતા ધરાવતા વ્યકિત માટે અધિકાર છે.
સરકાર તેમાં કોઇ ખેરાત કરતી નથી અને આ માટેના નિયમોમાં અત્યંત સ્પષ્ટતા હોવા છતાં પણ જે રીતે સરકાર દ્વારા આ પ્રકારના પેન્શનમાં વધારાના દસ્તાવેજો અને ખાસ કરીને જે બાળકો દિવ્યાંગ હોય તેમના માતા-પિતાની આવક સહિતના પુરાવા મેળવવામાં આવે છે તે એક ખોટી પધ્ધતિ છે અને ખાસ કરીને જેઓ ગરીબ અને વંચિત વર્ગ છે તેઓ આ પ્રકારના પેન્શન માટે આવતા હોય છે.
ત્યારે તેમને સરકારી નિયમોની જાળમાં ફસાવી દેવા તે યોગ્ય ગણાય નહીં. હાઇકોર્ટે જણાવ્યું કે, દિવ્યાંગતા નિશ્ચિત કરવા માટે માન્ય તબીબી પ્રક્રિયા બાદ જે સર્ટીફીકેટ આપવામાં આવે છે તે એક માત્ર તેનો આધાર બની રહેવો જોઇએ.
આ ઉપરાંત આવકના દાખલા સહિતના જે પુરાવા મેળવાય છે તે વધુ પડતી બાબુશાહી છે અને સરકારે અગાઉથી જ દિવ્યાંગતાનો ભોગ બનેલા બાળકોના પરિવાર સાથે આ પ્રકાર પધ્ધતિ અપનાવી જોઇએ નહીં.
આ ઉપરાંત નિર્ધારીત સમયે પેન્શન પેમેન્ટ મળે તે પણ બંધારણની કલમ 21 મુજબ જીવનના અને સન્માનપૂર્વક જીવનના અધિકારનો એક ભાગ છે અને સરકાર તેનો ઇન્કાર કરી શકે નહીં. હાઇકોર્ટના આ ચુકાદાથી સેંકડો કુટુંબો માટે રાહત થશે તે નિશ્ચિત છે.