New Delhi, તા. 3
અમેરિકા સાથેના ટેરીફ વોરના પગલે અને ચીનમાં જે રીતે વિદેશી કંપનીઓ પોતાના ફેકટરી સહિતના કામકાજ ભારતમાં ફેરવી રહી છે તેમજ ખાસ કરીને આઇફોન દ્વારા ભારતમાં જ એક બાદ એક પ્લાન્ટ ચાલુ કરવામાં આવી રહ્યા છે તેને આંચકો આપતા ચીને ભારતમાં ફોકસકોન કે જે આઇફોન ઉત્પાદક ચાઇનીઝ કંપની છે.
તેમાં કામ કરતા તમામ ચાઇનીઝ એન્જીનીયર્સને તથા સુપરવાઇઝરને ચીન પરત ચાલ્યા આવવા આદેશ આપ્યો છે. આ ઉપરાંત ભારતમાં આઇફોન એસેમ્બલી સહિતની લાઇનો માટે જે મશીનરી ચીનથી મંગાવવામાં આવી રહી છે તેની ડિલીવરી પણ વિલંબમાં પડે તે રીત અપનાવી છે.
ભારતમાં ફોકસકોનની ફેકટરીઓમાં ચાઇનીઝ નાગરિકોની સંખ્યા એક ટકાથી ઓછી છે પરંતુ તેઓ એસેમ્બલી લાઇનમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ ઉપરાંત ચીને તેની ભારતમાં ઓપો અને વીવો કંપનીમાં પણ કામ કરતા ચાઇનીઝ એન્જીનીયર્સ એન અન્ય અધિકારીઓને પણ ભારત છોડવા જણાવે તેવી શકયતા છે.
ચીનના આ પગલાને કારણે ભારતમાં આઇફોનના વધતા જતા ઉત્પાદનને અને એપલ કંપનીને મોટો ફટકો પડે તેવી ધારણા છે. ચીને આ રીતે પ્રેસર ટેકનીક અપનાવીને તેની અનેક કંપનીઓને જે રીતે ભારતમાં પ્રવેશબંધી લાદવામાં આવી છે તેમાં ભારત સરકાર પોતાનું વલણ હળવુ બનાવે તે જોવા માંગતી હોવાનું સુત્રોએ ઉમેર્યુ હતું.
ભારતમાં ચાઇનીઝ કંપની ફોકસકોેન જે દુનિયાભરમાં એપલના ઉત્પાદનો બનાવવાની મોનોપોલી જેવી સ્થિતિમાં છે તેના અનેક પ્લાન્ટ ભારતમાં શરૂ થઇ રહ્યા છે અને ભારતે આઇફોનના ઉત્પાદન માટેનું હબ બની ગયું છે. પણ ચીનની સરકાર ફકત ફોકસકોન જ નહીં વીવો અને ઓપો જેવી મુળ ચાઇનીઝ કંપનીઓને પણ નિશાન બનાવે તેવી ધારણા છે.
આ બંને કંપનીઓમાં પણ ચાઇનીઝ એન્જીનીયર્સ સહિતના નિષ્ણાંતો કામ કરે છે અને આગામી દિવસોમાં ભારત છોડવા જણાવે તેવી ધારણા છે. ભારતે ટીકટોક સહિતની અનેક ચાઇનીઝ એપને પણ ભારતમાં પ્રવેશવા દીધા નથી.
બીજી તરફ ચાઇનાની ઇ-કોમર્સ કંપનીઓ પણ ભારતમાં બિઝનેસ કરી શકતી નથી તે સંદર્ભમાં હવે ચીને દબાણ નીતિ અપનાવી હોય તેવું માનવામાં આવે છે.