Ahmedabad,તા.3
18 વર્ષના જુવાનજોધ પુત્રનું વીજ કરંટ લાગવાથી મૃત્યુના કિસ્સામાં મૃતકના માતા-પિતાને રૂ.છ લાખથી વધુનું વળતર ચૂકવવા અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે બહાલ રાખ્યો હતો. જસ્ટિસ હેમંત એમ.પ્રચ્છકે આ કેસમાં બહુ મહત્ત્વપૂર્ણ અવલોકન કરતાં ઠરાવ્યું હતું કે, ઇલેકટ્રીક બોર્ડની એ ફરજ છે કે, વીજ વાયરો ઝાડને સ્પર્શે નહી અને તે માટે બોર્ડે યોગ્ય પગલાં લેવા જ પડે.
બોર્ડની ગંભીર બેદરકારીના કારણે એક માતાને પોતાનો યુવાન પુત્ર અકાળે ગુમાવવાનો વારો આવ્યો. રેકર્ડ પરથી પણ સ્પષ્ટ થાય છે કે, વીજ વાયરો લટકતા હતા અને વચ્ચેથી વળેલા હતા, તે જમીનની નજીક આવી ગયા હતા અને ઝાડને સ્પર્શી રહ્યા હતા, જેનો કરંટ લાગતા યુવકનું કરૃણ મોત નીપજયુ હતું. હાઇકોર્ટે વળતર અંગેના ટ્રાયલ કોર્ટના હુકમને પડકારતી પશ્ચિમ ગુજરાત વીજ કંપનીની અપીલ ફગાવી દીધી હતી.
ગુજરાત હાઈકોર્ટે 18 વર્ષના છોકરાની માતાને 6 લાખ રૂપિયાથી વધુનું વળતર આપવાના ટ્રાયલ કોર્ટના આદેશને સમર્થન આપ્યું હતું, જેમાં મૃતક પશુઓ ચરાવવા માટે ઘાસ કાપવા માટે ઉભા રહેલા ઝાડ નીચે લટકતા જીવંત ઇલેક્ટ્રિક વાયરો સાથે ફસાઈ જવાથી મૃત્યુ પામ્યો હતો. કેસની વિગત મુજબ, ગત તા.8-3-2008ના રોજ 18 વર્ષનો એક યુવક પોતાના પશુઓ ચરાવવા ગયો હતો અને ત્યારે પશુઓ માટે છોડ કાપી રહ્યો હતો.
તે દરમ્યાન ઝાડ પરથી પસાર થતી વીજ લાઇનના વાયરો કે જે ઝાડને સ્પર્શતા હતા, તેમાંથી જોરદાર વીજ કરંટ લાગતાં યુવકનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. આ ઘટના બાદ મૃતકના માતા-પિતાએ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની ગંભીર બેદરકારી બદલ પુત્રના મોતને લઇ યોગ્ય વળતર માટે કચ્છ-ભુજ ટ્રાયલ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. જેમાં ટ્રાયલ કોર્ટે આ માતા-પિતાને 9 ટકા વ્યાજ સાથે રૂ.6,25,000 ચૂકવી આપવા કસૂરવાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ને ફરમાન કર્યું હતું.
આ ચુકાદાથી નારાજ પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અપીલ કરાઇ હતી, જેનો વિરોધ કરતાં મૃતકની માતા તરફથી જણાવાયું હતું કે, રેકર્ડ પરના પુરાવા અને સ્વતંત્ર સાક્ષીઓની તપાસ અને દસ્તાવેજી પુરાવાઓના આધારે ટ્રાયલ કોર્ટે વળતરનો જે હુકમ કર્યો છે તે બિલકુલ યોગ્ય અને કાયદેસર છે.
પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.ની ગંભીર બેદરકારીના કારણે વીજ લાઇના વાયરો નીચે લટકી ગયા હતા અને ઝાડને સ્પર્શી રહ્યા હતા, જેના કારણે વીજ કરંટની ઘટના બનતાં તેમનો જુવાનજોધ પુત્ર મૃત્યુને પામ્યો હતો. ટ્રાયલ કોર્ટે કેસના સઘળા પાસા અને હકીકતો ધ્યાને લઇને જ હુકમ કર્યો છે, તેથી તેમાં હાઇકોર્ટની દરમ્યાનગીરી ન્યાયોચિત નહી લેખાય.
વળી, આ અપીલની સુનાવણી દરમ્યાન મૃતકના પિતા પણ ગુજરી ગયા છે, હવે એક માત્ર મૃતકની માતા પ્રતિવાદી તરીકે બચ્યા છે., ત્યારે તમામ સંજોગો અને પુરાવા ધ્યાને લઇ હાઇકોર્ટે વીજ કંપનીની અપીલ ફગાવી દેવી જોઇએ. આ દલીલો ગ્રાહ્ય રાખી જસ્ટિસ હેમંત એમ.પ્રચ્છકે પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ તરફથી કરાયેલી અપીલ ધરાર ફગાવી દીધી હતી.