Bhavnagar,તા.03
પાલિતાણા શહેરમાં નગરપાલિકા તંત્રના પાપે છેલ્લા ઘણાં સમયથી લોકોને પીવાનું દૂષિત અને ડહોળું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોય, આ મામલે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
પાલિતાણા નગરપાલિકા દ્વારા અતિ દૂષિત અને ડહોળું પાણી વિતરણ કરવામાં આવતું હોય, આ બાબતે અનેકવાર ફરિયાદ કરવા છતાં ન.પા. તંત્ર દ્વારા આંખ આડા કાન કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. શહેરના અલગ-અલગ વિસ્તારમાં પીવાના પાણી સાથે ગટરના પાણી ભળી જવાની પણ અસંખ્ય ફરિયાદો ઉઠી છે. વધુમાં નગરપાલિકાનો એક પણ પ્લાન્ટ શરૂ ન હોવાના કારણે પાણીને ફિલ્ટર કર્યા વિના જ શેત્રુંજીમાંથી સીધું જ પાણી લોકોના ઘર સુધી સપ્લાય થાય છે. ટાંકા અને સંપની સાફસફાઈ થતી ન હોવાથી ગંદકી અને કાપ ગાળો ભરાઈ રહે છે. આવી સ્થિતિમાં લોકો ગંભીર પ્રકારની બીમારીઓમાં ધકેલાય તે પહેલા લોકોને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી માંગ સાથે વિપક્ષના નેતાએ મુખ્યમંત્રી સહિતનાને રજૂઆત કરી જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચિમકી ઉચ્ચારી છે.