Bhavnagar,તા.03
ગોહિલવાડમાં અષાઢે શ્રાવણી માહોલ સર્જાયો હોય તેમ આઠ તાલુકામાં ઝરમરથી પોણો ઈંચ વરસાદ ખાબક્યો હતો. બોટાદ જિલ્લાના બરવાળામાં પણ મેઘરાજાએ ત્રણ મિ.મી. પાણી વરસાવ્યંવ હતું.બોટાદ જિલ્લાના ગઢડા, રાણપુર અને બોટાદમાં મેઘવિરામ રહ્યો હતો. એક માત્ર બરવાળામાં મેઘરાજાએ હાજરી નોંધાવી ત્રણ મિ.મી. પાણી વરસાવ્યાનું ફ્લડ કંટ્રોલમાં નોંધાયું છે. જ્યારે ખાંભડા ડેમ વિસ્તારમાં ૧૦ મિ.મી., કાનિયાડ ડેમ વિસ્તારમાં ૧૫ મિ.મી., ઉતાવળી ડેમ વિસ્તારમાં પાંચ મિ.મી. અને જસપરા (માંડવા) ડેમ વિસ્તારમાં ૧૦ મિ.મી. વરસાદ વરસ્યો હતો. રોજકી ડેમમાં ૧૧ ક્યુસેક પાણીની આવક-જાવક, ખાંભડા ડેમમાં ૨૩૪ ક્ષયુસેક પાણીની આવક થઈ હતી. તો શેત્રુંજી ડેમમાં આજે સાંજે ચાર કલાક બાદ પાણીની આવક બંધ થઈ હતી.
ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે આજે બપોરના સમયે વલ્લભીપુરમાં પાંચ મિ.મી., ઉમરાળામાં છ મિ.મી., ગારિયાધારમાં બે મિ.મી., ભાવનગરમાં એક મિ.મી. પાણી વરસ્યું હતું. જ્યારે સિહોરમાં સવારે બે અને બપોરે પાંચ મિ.મી., તળાજામાં ધૂપછાવ વચ્ચે બપોરે ચાર મિ.મી. અને સાંજે એક મિ.મી., જેસરમાં સવારે ધીમીધારે ચાર મિ.મી. વરસાદ વરસ્યો હતો. મહુવામાં બપોર સુધી મેઘવિરામ રહ્યા બાદ મેઘરાજાએ સાંજ સુધીમાં પોણો ઈંચ (૨૦ મિ.મી.) પાણી વરસાવી દેતા રસ્તાઓ ઉપર વરસાદી પાણીની નદી વહેતી હોય તેમ પાણી ભરાયા હતા. ઘોઘા અને પાલિતાણામાં વરસાદનો વિરામ રહ્યો હતો. વધુમાં આજે બુધવારે રાત્રિના આઠ વાગ્યાની સ્થિતિએ જિલ્લામાં સિઝનનો સરેરાશ ૩૨૭.૧ મિ.મી. વરસાદ વરસ્યાનું નોંધાયું છે.