Surendranagar,તા.03
સુરેન્દ્રનગર શહેરના વઢવાણ વિસ્તારમાં ગેબનશાપીર સર્કલ પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે કાર ચાલકે બેથી ત્રણ વાહનોને અડફેટે લેતા અકસ્માત તેમજ હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જે બનાવને પગલે લોકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને અકસ્માત સર્જનાર કારચાલકને ઝડપી પાડી બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી જે મામલે મોડી રાત્રે બી-ડિવીઝન પોલીસે અકસ્માત સર્જનાર કારચાલક સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથધરી છે.
વઢવાણ ગેબનશાપીર સર્કલ પાસે મંગળવારે રાત્રે પુરપાટ ઝડપે કારના ચાલકે કાર ચલાવી એક બાઈક સહિત બેથી ત્રણ અલગ-અલગ વાહનોને અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક પર સવાર એક બાળકી, મહિલા અને પુરૃષ સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચતા ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે વાહન ચાલકો સહિત સ્થાનિકોના ટોળેટોળાં સ્થળ પર ઉમટી પડયા હતા અને અકસ્માત સર્જનાર કાર ચાલકને ઝડપી લઈ મેથીપાક ચખાડયો હતો. બનાવ અંગે બી-ડિવીઝન પોલીસને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથધરી હતી