Glasgow, તા. 23
કોમનવેલ્થ ગેમમાં ભારતીય મહિલા ખેલાડીઓએ હંમેશાં શાનદાર પ્રદર્શન કર્યું છે, પરંતુ આ વખતે રમતોમાં કરવામાં આવેલી કાપકૂપના કારણે ભારતને મેડલનું મોટું નુકસાન થઈ શકે તેમ છે.
ગ્લાસગો રમતોમાં ભારતની કુલ ટુકડી 2022ના 208 ખેલાડીઓથી ઘટીને માત્ર 125 થઈ ગઈ છે, જેમાં પુરુષોની સરખામણીએ મહિલા ખેલાડીઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે.
આ વખતે ભારતીય ટીમમાં માત્ર 48 મહિલા ખેલાડીઓ સામેલ છે, જે કુલ દળના 38.40 ટકા જેટલી જ થાય છે. છેલ્લી ત્રણ રમતો (2014 થી 2022)માં ભારતના કુલ મેડલમાં મહિલાઓનું યોગદાન 40 ટકાથી વધુ રહ્યું હતું, પરંતુ આ વખતે રમતોની સંખ્યા 20થી ઘટીને માત્ર 10 કરી દેવાતાં આ સ્થિતિ સર્જાઈ છે.
રમતો ઘટી જવાથી મેડલ ટેલી પર પણ સીધી અસર પડશે. 2022ની બર્મિંગહામ રમતોમાં ભારતે જીતેલાં 61 મેડલમાંથી 41 ટકા જેટલા (25 મેડલ) તો માત્ર કુશ્તી (12), ટેબલ ટેનિસ (7) અને બેડમિન્ટન (6) જેવા રમતોમાંથી આવ્યાં હતા, જેને આ વખતે ગ્લાસગો ગેમ્સમાંથી બહાર કરી દેવામાં આવ્યાં છે.
ભારત માટે આ ‘પાવરહાઉસ’ રમતોનું બહાર થવું એ મોટો આંચકો છે. આ સિવાય ટીમમાં ભારતીય મહિલાઓની ભાગીદારી જે 2022માં વધીને 49 ટકા સુધી પહોંચી ગઈ હતી, તે ઘટીને 38.40 ટકા થઈ ગઈ છે, જ્યારે પુરુષ ખેલાડીઓની સંખ્યા પણ 106થી ઘટીને 77 થઈ ગઈ છે.

