New Delhi,તા.23
ભારતીય ટીમના કાંડા સ્પિનર કુલદીપ યાદવે બુધવારે ઇંગ્લિશ કાઉન્ટી ક્લબ યોર્કશાયર સાથે કરાર કર્યો છે. કુલદીપ વર્તમાન સિઝનમાં ટીમ માટે આઠ મેચ રમશે. કુલદીપ છેલ્લા કેટલાક સમયથી ભારતીય પ્લેઇંગ-11નો ભાગ નથી. પરંતુ હવે તે કાઉન્ટી ક્રિકેટમાં રમશે. કુલદીપ વન ડે કપની પાંચ મેચ તેમજ ત્રણ રેડ બોલ ક્રિકેટ મેચ રમશે.
યોર્કશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ ભારતીય સ્પિનર કુલદીપ યાદવને વિદેશી ખેલાડી તરીકે કરારબદ્ધ કરવાની જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છે, એમ ક્લબે તેની વેબસાઇટ પર જણાવ્યું હતું. 31 વર્ષીય ખેલાડી પાંચ ODI મેચ માટે ઉપલબ્ધ રહેશે અને ત્યારબાદ સપ્ટેમ્બરમાં છેલ્લી ચાર કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચોમાંથી ત્રણ માટે હેડિંગ્લી પાછો ફરશે.
કુલદીપ યોર્કશાયરમાં જોડાવા માટે ઉત્સાહિત છે
યોર્કશાયરમાં જોડાવા અંગે કુલદીપે કહ્યું, `હું યોર્કશાયરમાં જોડાવા માટે ખુશ છું અને આ તક માટે આભારી છું. યોર્કશાયરના ગૌરવશાળી ઇતિહાસવાળા ક્લબનું પ્રતિનિધિત્વ કરવું એ ખરેખર સન્માનની વાત હશે. મેં હંમેશા ઇંગ્લિશ પરિસ્થિતિઓમાં રમવાનો પડકાર માણ્યો છે, અને મેનેજમેન્ટ સાથે વાત કર્યા પછી, હું ટીમમાં જોડાવા માટે ખૂબ જ ઉત્સાહિત છું.’

