Rajkot,તા.3
રાજકોટમાં બે દિવસથી વાદળીયા માહોલ બાદ આજે સવારે વાદળો ઘેરાયા હતા અને બપોરે 12 વાગ્યા બાદ એકાએક ભારે વરસાદ વરસવા લાગતા ત્રણ વાગ્યા સુધીમાં પડેલા બે ઈંચ વરસાદે અનેક વિસ્તારો જળબંબાકાર કરી નાંખ્યા છે. માધાપર ચોકડી, કેકેવી હોલ ચોક, મવડી, મવા સહિતના રાજમાર્ગો પર સ્કુલો છુટવાના સમયે ભારે વરસાદનું પાણી ભરાઈ જતા ભરબપોરે અનેક સ્કુલ બસ ફસાઈ ગઈ હતી.
આજથી જ મનપાના તમામ અધિકારીઓ વિસ્તારમાં ઉતર્યા છે અને કમિશ્નરે ચાલુ વરસાદે અધિકારીઓને ફિલ્ડમાં જ રહેવા કહ્યું છે. ત્યાં જ વરસાદ તૂટી પડતા તંત્રમાં દોડાદોડી થઈ છે.
આજે બપોરે એક વાગ્યે વરસાદનું જોર વધતા માધાપર ચોકડીથી કેકેવી હોલ, ગોંડલ રોડ ચોકડી સુધીના બીઆરટીએસ રૂટના અનેક સર્કલ આજુબાજુ પાણી ભરાઈ ગયા હતા. ફરી માત્ર બે ઈંચ વરસાદમાં રાજકોટની હાલત કેવી થઈ જાય છે તેનો અંદાજ કોર્પો.ના સતાધીશોને સીસીટીવીમાંથી આવી ગયો હતો.
સામાન્ય વરસાદમાં પણ જયાં પાણી ભરાઈ જાય છે તે પોપટપરા નાલામાં ફરી બપોરે પાણી ફરી વળ્યા હતા. અહીનો રસ્તો બંધ થઈ જતા વાહનો ફસાયા હતા. આ સહિતના ઘણા ભાગોમાં અને નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસી ગયાના દ્રશ્યો સર્જાયા હતા જેનાથી ભરબપોરે અનેક પરિવારો હેરાન થઈ ગયા હતા.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં અનેક જિલ્લાઓમાં હળવા ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આજે બપોરે રાજકોટ શહેરમાં વરસાદના ભારે ઝાપટા વરસતા બે કલાકમાં એકથી બે ઈંચ વરસાદ વરસતા નવા-જુના રાજકોટની શેરી-ગલીઓ, રાજમાર્ગોમાં પાણી વહી ગયા હતા. અનેક સર્કલો પાસે વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો હતો.
રાજકોટ શહેરમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણમાં વરસાદી માહોલ સાથે છુટાછવાયા હળવા ઝાપટા બાદ બપોરનાં સમયે આકાશમાં ગોરંભાયેલા વરસાદી વાદળો ધોધમાર વરસતા બપોરના 12થી3 કલાક સુધીમાં સેન્ટ્રલ 42 મી.મી., ઈસ્ટ ઝોન 27 મી.મી. વેસ્ટ ઝોન- 43 મી.મી. વરસાદ સાથે એકથી બે ઈંચ વરસાદ વરસતા નવા-જુના રાજકોટની શેરી-ગલી-રાજમાર્ગોમાં પાણી વહેલા થયા હતા. વીજળીના કડાકા ભડાકા કે પવનના સુસવાટા વિના ધોધમાર વરસાદ વરસ્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે આજ સુધીનાં મોસમનો કુલ વરસાદનાં આંકડા જોતા સેન્ટ્રલ ઝોન 387 મી.મી. (15 ઈંચ), ઈસ્ટ ઝોન 285 મી.મી. (11 ઈંચ) અને વેસ્ટ ઝોન 409 મી.મી. (16 ઈંચ) વરસાદ નોંધાયો છે. ચાલુ સીઝનનો સૌથી વધુ નવા રાજકોટમાં વરસાદ વરસ્યો છે.
આજે હવામાં 100 ટકા ભેજ સાથે મેઘાવી માહોલમાં બપોર બાદ ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. મોડી સાંજ રાત સુધી અમુક સ્થળોએ હળવા ભારે ઝાપટા વરસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
અર્ધો ઈંચ હોય કે બે ઈંચ વરસાદ; રાજમાર્ગો પર ફરી વળતા પાણી..
સીસીટીવીમાં તકલીફનું જીવંત પ્રસારણ છતા સમસ્યાનો ઉકેલ નહી!
રાજકોટમાં આજે બપોરે વરસાદ શરૂ થતા જ અનેક વિસ્તારોમાં પાણીનો ભરાવો શરુ થઈ ગયો હતો. ખાડા પર કરાયેલા મેટલ મોરમ ધોવાઈ ગયા હતા. આ રીતે અડધો ઈંચ હોય કે બે ઈંચ વરસાદ, રાજકોટના અનેક રાજમાર્ગો સહિતના રસ્તા પાણીમાં ડુબી જાય છે તે ફરી દેખાઈ આવ્યુ હતું.
આજે બપોરે ભારે વરસાદથી અનેક માર્ગમાં પાણી ભરાયા હતા. કેકેવી ચોકથી બીગબજાર તરફ જવાના રસ્તે પાણી ભરાતા ટુવ્હીલર, કાર, સ્કુલવાન બંધ પડી જવાની ઘટનાઓ પણ બની હતી. માધાપર ચોકડી કાયમની જેમ વરસાદી પાણીમાં ડુબેલી જોવા મળી હતી.
આ સાથે જ દર વખતે વરસાદમાં જે ચોક અને રાજમાર્ગો પાણી પાણી થાય છે તે હાલતમાં કોઈ સુધારો થતો નથી. મનપાનું વિશાળ સીસીટીવી નેટવર્ક માત્ર આ હાલત જુએ છે. પરંતુ શાસકો કે અધિકારીઓ આ વિસ્તારોની સમસ્યા ઉકેલવાનો કોઈ રસ્તો શોધી શકતા નથી તે પણ હકીકત છે.