Jamnagarતા ૩
જામનગરના ગુલાબ નગર નજીક સરદાર નગર વિસ્તારમાં રહેતી રસીદાબેન ગુલઝાર ભાઈ ખફી નામની ૬૦ વર્ષની સુમરા જ્ઞાતિની મહિલાએ પોતાને ૩૦ ટકા લેખે નાણા વ્યાજે આપ્યા બાદ ૩૦,૦૦૦ ના ૬૬,૦૦૦ પડાવી લઈ વધુ દોઢ લાખની માંગણી કરી બંદુક બતાવી પતાવી દેવાની ધમકી આપવા અંગે શંકર ટેકરીમાં રહેતા અકબર યુસુફ ખફી, સલીમ યુસુફ ખફી, સાજન યુસુફ ખફી, અને તેઓના પિતા યુસુફ ઓસમાણભાઈ ખફી વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર રસીદાબેન ના પુત્રી શહેનાઝ બેનને ગત ઓક્ટોબર મહિનામાં બીમારી આવી ગઈ હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થતાં આરોપી પાસેથી ૩૦,૦૦૦ માસિક ૩૦ ટકા લેખે વ્યાજે લીધા હતા, જેનું કટકે કટકે ૩,૦૦૦ ૪,૦૦૦ અને ૫,૦૦૦ લેખે મહિનાના હિસાબ કરીને ૬૬,૦૦૦ રૂપિયા ચૂકવી દીધા હતા.
તેમ છતાં તમામ આરોપીઓએ પોતાના ઘરમાં આવી હજુ દોઢ લાખ રૂપિયા આપવા પડશે, તેવી માંગણી કરીને બંધુક બતાવી ધાક ધમકી આપી હતી. જેથી આખરે મામલો પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા એ ચારેય પિતા પુત્ર સામે જુદી જુદી કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.